લખાણ પર જાઓ

પૃષ્ઠ:Samarangan.pdf/૧૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુરુષાતનની પ્રતીતિ
121
 


“આવડું જબર વેર દલ્લીના પાદશ્ય સાથે બાંધ્યા પછી હવે વળી બીજી કઈ વધામણી બાકી રહી છે ?”

“વેર બાંધ્યું લેખે લાગે એવી વધામણી.”

“ભણોને ઝટ.”

“કાં કહેતા’તાને કે આવડી મોટી જીત જીરવી લીધી છે ! તો પછી આ વધામણી સાંભળવાની અધીરાઈ કાં બતાવો ?”

“તમને બાયડિયુંને તો સદાને એક જ સંતોષ વા’લો.”

“શો?”

“પુરષને મોંયે મીનો ભણાવવાનો. લ્યો ભા, અમે ય મીનો ભણ્યો. હવે ભણો, શી છે તમારી વધામણી ?”

“આવો આંહીં.”

કાઠિયાણી પોતાના કંથને મેડી ઉપરથી નીચે એક એવા ઓરડાની દીવાલે લઈ ગઈ, કે જેની દીવાલના એક ગુપ્ત બાકોરાની આરપાર બીજા દૂરના ફળિયામાં ખાસ એકાંત રાખવા લાયક દરબારી પરોણાનો વિશાળ ઉતારી દેખી શકાતો અને એ પરોણાની તમામ હિલચાલ પર છૂપી નજર રાખી શકાતી.

“જોઈ લ્યો. ત્યાં કોણ છે ?”

ગુપ્ત જાળિયામાંથી જોનાર લોમા ખુમાણની આંખોએ પરોઢિયાના એ જરીજરી ઊઘડતા અજવાળામાં આઠસો જેટલા આદમીઓને ઊઠતા ને બેસતા, કશીક સંઘ-ક્રિયા કરતા જોયા. ચારસો એક બાજુ, બીજી બાજુ બીજા ચારસો, ને વચમાં એક પચીસેક વર્ષના જુવાનને જોયો. એ આઠસો ને એક નમાજ પઢતા હતા. રાત્રિની નીંદ આપીને પુનઃ પાછી નવા પ્રભાતની બક્ષિસ કરનાર પરવરદિગારને ઉપાસનારા આ મૌનધારીઓ કોણ છે ? ગઢના અતિથિ-ગૃહમાં ફકીરોની કોઈ જમાતને સંઘરી છે શું કાઠિયાણીએ ? નહિ, નહિ, ગેબની માળણ પ્રાતઃકાળની તેજ-ઝારી વધુ ને વધુ છાંટવા લાગી તેમતેમ એ આઠસો ને એક કલેવરો અમીરી ઓલાદનાં દીસ્યાં. તેઓનાં ઝૂલતાં વસ્ત્રો મુલાયમ હતાં. તેમનાં