પૃષ્ઠ:Samarangan.pdf/૧૩૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
122
સમરાંગણ
 


મોં પર ગુલાબી ગૌરતા હતી, બંદગીમાં ઝૂકેલા એ આઠસો ને એકની આંખો બિડાયેલી હતી. અજાણ્યા કાઠી-મુલકમાં, પરાયા ગામધણીને ઘેર, ચોય ફરતા બંદોબરતની વચ્ચે, આટલો બધો ઇતબાર મૂકીને ઈશ્વરોપાસનામાં એકાકાર બનેલા આ પરોણાઓ શું બેવકૂફ હશે ?

ખીંતીએ ખીંતીએ હથિયારોની થપ્પીઓ પડી હતી. તમંચા ભરેલા કમ્મરબંધો ટિંગાતા હતા. અને ઓ દેખાઈ, ઝરિયાની ટોપીનાં ટોપકાં ફરતી બંધાયેલી પડેલી એ મુગલાઈ પાઘડીઓ. ઓ બાંધ્યા એ મુગલાઈ રાજચિહ્‌ને દાગેલા પ્રચંડ પઠ્ઠા ઘોડાઓ, સાંઠિયાઓ અને સામાન ઊંચકનારા ખચ્ચરો. પોતાના રાજગઢના એ વિશાળ ઉતારાને કાઠીરાજે એક છેડેથી સામા છેડા સુધી ઠાંસોઠાંસ ભરાયેલો દેખી પત્નીને ફાળભર્યો પ્રશ્ન કર્યો : “આ મુંગલા છે ? આ ક્યાંથી ? કોણે ગઢમાં પેસાડ્યા ?”

“મેં, મેં જ તો.”

“તમે આ શો ગઝબ ગુજાર્યો ? તમને ફોસલાવીને ગઢનો કબજો તો નથી લઈ લીધો ને ?”

“લે તો હક્કદાર છે.”

“અરે પણ તમે આ છોકરવાદી કાં માંડી ? મુગલોને તો હું ધમરોળીને હાલ્યો આવું છું.”

“એ સાંભળીને જ આ આઠસો ને એક આવ્યા છે. આપણે ખેરડી ખાલી કરીને એમને સોંપી દઈએ તો ય રૂડા લાગીએ એવા એ મહેમાન છે.”

“પણ કોણ છે ? ઝટ ભણોને કાઠિયાણી ! નહિતર નમાજમાંથી ઊઠ્યે બાજી હારી બેસશું.”

“જોજો જીતને જીરવનાર જોયા હોય તો ! આમ આવો આમ.” એટલું કહીને મલકાટ વેરતી કાઠિયાણી સ્વામીને પાછા સૂવાના ઓરડામાં લઈ ગઈ ને ત્યાં એમના ગળામાં હાથ નાખીને બોલી : “લ્યો, આ વિજયની માળા પહેરાવી તમને, અને હવે વિસામો લેવાની ઉતાવળ રાખો. તમારી વાટ જોવે છે.”