પૃષ્ઠ:Samarangan.pdf/૧૪૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.

 “પંદર દિ’માં આગ્રેથી રાજપીપળા ! પંદર દિ’માં પોગાડ્યાં મારા બાપ ? સુલતાન મુઝફ્ફર અને પાદશા અકબર વચ્ચે હવે શું થોડોક જ ફેર ભાંગવો બાકી રહ્યો ?” લોમા ખુમાણે તારીફની નદીઓ ને નદીઓ વહેતી મૂકી.

આગ્રાથી નાસી છૂટેલા નહનૂનું ગુજરાતમાં આવી પહોંચવું, એ બેશક એક મર્દાઈનો કિસ્સો હતો, કેમ કે એ નાસવું એક પાદશાહી બંદીવાનનું હતું. આગ્રાના આનંદો તજીને મોતનાં જોખમ માથા પર લેનારો નહનૂ નાસ્યો ત્યારે નિરાધાર હતો. ગુજરાતમાં કોણ શત્રુ ને કોણ મિત્ર તેની નહનૂને ખબર નહોતી. પાસે ખરચી નહોતી. પલાણવા ઘોડું નહોતું. આગ્રામાંથી એને ઉઠાવનાર ઊંટ કે અશ્વ કોઈ ઇતિહાસની નોંધમાં નથી. એ ક્યાં થઈને ચાલ્યો, એને કોણે જમાડ્યો ને એ કોનો રાત-આશરો પામ્યો, તેની નોંધ ક્યાંય રહી નથી. રહી હોત તો રોમાંચક બની જાત.

“લોમાભાઈ,” મુઝફ્ફરે એકાંતમાં દાંત પીસ્યાં : “હું ન ભાગત. અકબરશાહના હાથની તાલીમે મને બીજાં પાંચ જ વર્ષોમાં, સાચો ઇન્સાન બનાવ્યો હોત. અબુલ ફઝલની આગળ ઇતિહાસ ભણવાનું મને ખૂબખૂબ ગમતું હતું. રાજા માનસિંહજી પોતે જ મને સમરાંગણોમાં સાથે લઈ જઈ જવાંમર્દીના પ્યાલા પાતા હતા. હું સુખી હતો. શહેનશાહના જનાનખાનાની કોઈક બેટી સાથે મારી શાદીની વાત પણ દૂર નહોતી. મારી ભોજન-થાળી શહેનશાહના જ બબરચી પકવતા હતા. મને એક દિવસ ‘નામર્દ’ વગેરે સખૂનો કહેનાર મુગલોને અકબરશાહે જન્મકેદમાં હડસેલી દીધા હતા. મારે કશી કમીના નહોતી. પણ શું કરું ? મક્કેથી પાછા આવનાર, એ મારા શત્રુ ઇતમાદખાનને જ્યારે શહેનશાહે ગુજરાતની સૂબેદારી એનાયત કરી, ત્યારે મારું ખૂન ખદબદી ઊઠ્યું. મારી અમ્માની ચીસો ફરી એક વાર મારા કાને પડી. મારી માતા પર ગર્ભપાતની કોશિશોનો ગજબ ગુજારનાર અને ગુજરાતની સ્વાધીનતાને કૂડકપટથી ખતમ કરનાર ઇતમાદ ગુજરાતની સુબેદારી કરે તો કાં મારે