પૃષ્ઠ:Samarangan.pdf/૧૪૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
પુરુષાતનની પ્રતીતિ
127
 


આગ્રામાં જ ઝહર પીને સૂઈ જવું જોઈએ, ને કાં મારે ગુજરાતમાં આવી ઇતમાદનું કલેજું વિદારીને જ હિસાબ ચૂકવવો જોઈએ. હું એવા તોરમાં ને તોરમાં નાસી આવ્યો છું. મને ગુજરાતમાં કદમકદમે યારી મળી છે. યોદ્ધાઓ બેશુમાર છે. ખજાનો તૈયાર છે. હવે આપ ઘોડીએ ચડો તેટલી જ રાહ છે. ઇતમાદ અમદાવાદ છોડી શકે તે પહેલાં જ પહોંચવું છે. ભદ્રનો કિલ્લો ભેદવામાં એક પથ્થર પણ ખેસવવાની જરૂર નથી. ઇતમાદે બુઢ્‌ઢે દિલ્હીથી કુમક મગાવી છે. એ આવતાં પહેલાં તો ભદ્રના બુરજ પર મહાકાળી તોપો નહિ ચડાવું ? ચાલો, લોમાભાઈ, તમારે ભાલેથી શુકન લઈને હું આ વખતે ગુજરાત સર કરીશ, મારા સાચા રક્ષણહાર આ વખતે તો સોરઠિયાઓ જ બનશે.”

“હાલો બા ! હું તો હવે શહેનશાહનો બહારવટિયો બની ચૂક્યો છું.”

“મેં એ બધી બીના સાંભળી. ગઝબ શિકસ્ત દીધી તમે તો, લોમાભાઈ. મારા દિલમાં હતું કે આપણે નવાનગર કાસદ મોકલી જામને પણ મારી કુમકે બોલાવી લઈએ. અને મારે મુરાદ તો હતી બે જણાને જોવાની : તમારા જેસા વજીરને તથા જામકુંવર અજાજીને.”

“હા, ખાવંદ,” લોમા ખુમાણે જવાબ વાળ્યો : “હુકમ હોય તો તેડાવી લઈએ; એ તો આપણા જ છે. હું કહું એટલું જ એ કરવાવાળા છે. પણ અત્યારે ત્યાં સરખાઈ નથી. કુટુંબમાં કજિયો છે, ને વજીર પણ લગભગ ખાટલાવશ છે. મને ભારી કાષટી પડી છે, ખાવંદ ! મિરઝાખાનને તગડવામાં મને તકલીફ પડી તે કરતાં વધુ તકલીફ તો એ છોકરાને ને એ બુઢ્‌ઢાને હિંમતમાં રાખવાની પડી. કલેજાં જોરદાર નહિ. બી-બીને ફાટી પડે. હવે ઝટ મુગલને શરણે થઈ જઈએ એવી હઠ પકડે. એટલે કાલ તો માંડ માંડ એને ઘેર પહોંચતા કરીને હું છૂટ્યો છું. અમદાવાદમાં એવું કાંઈક કરી બેસે તો રામકાણી રહે. વળી, વધુ મદદની જરૂર નથી. મારા પચીસ હજાર કાઠીઓ તૈયાર છે. આપણે ઠરીને ઠેકાણે થયા પછી તેડાવીએ તે ઠીક નહિ ?”