પૃષ્ઠ:Samarangan.pdf/૧૬૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોડી જડી
147
 

 “કોણ મોરી ?”

“ભૂચર મોરી.”

“હાં, ત્યારે લોંઠકાઈની નવાઈ નહિ, દીકરી. જા તું તારે હવે.”

“ઈ જણને લાગ્યું તો નહિ હોય ?” કન્યાએ ચાલી નીકળવાની તૈયારી બતાવી નહિ. એના મસ્તક પર ટકી રહેલ પાણીનું બેડું હવે મોતનો મામલો પતી ગયા પછી કોણ જાણે શા કારણથી ડગમગ થવા લાગ્યું. મોટી પાડી એના હાથની રસીને ખેંચતી હતી તેના આંચકા હવે વિશેષ પ્રમાણમાં લાગતા હતા.

“ઈ જણનું તો જતન કરવાવાળા અમે ઘણા બધા આંહીં છીએ હવે, બાઈ ! તું તારે જા હવે. તેં આજ જીવને જોખમે બજારને બચાવી લીધી.” કુંવરે હસીને કહ્યું.

“બાળકી બહુ પાણીદાર.” વજીર એ ચાલી જતી જોબનવાન કન્યાના મરોડદાર ગજાદાર દેહ સામે તાકી રહ્યા. “આપણે એના બાપને મળવું જોવે.”

“અને આ બાઈને કાંઈક પહેરામણી કરીએ તો ?” કુંવરે સલાહ પૂછી.

“આંહીંનાં અજાણ્યા લાગે છે. ભૂચર મોરી નામનો કોઈ રાજપૂત ઓલાદનો આદમી આંહીં જાણ્યામાં નથી.”

તપાસ કરાવી. ગામની ધર્મશાળામાં એ ખેડૂત રાજપૂત ઊતરેલો હોવાના ખબર મળ્યા. “રસ્તામાં જ છે. થતા જઈએ. તમારા આ જોદ્ધાને ય ભેળો લ્યો.” કહીને બુઢ્‌ઢાએ કુંવર સામે માર્મિક દૃષ્ટિ નોંધી.

માવત આવી પહોંચ્યા હતા. હાથીનો કબજો કરી લીધો હતો. નદીમાં હાથ-મોં ધોઈને થાકેલો ‘પરદેશી’ નાગડો હજુ ય દૂર ઊભો હતો. કુંવરની ઈશારતે એ સારી પેઠે અંતર રાખતો પાછળ ચાલ્યો.

ધર્મશાળામાં ગાયોને દોતોદોતો ભૂચર નામનો માલધારી રાજપૂત વજીરનો અને કુંવરનો બોલાવ્યો બહાર નીકળ્યો. એને નદીકાંઠે બનેલા બનાવની ખબર નહોતી. દીકરીએ બાપ પાસે આવીને કશી વાત કર્યા