પૃષ્ઠ:Samarangan.pdf/૧૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
જોડી જડી
149
 

 “હવે ક્યાં વાસ કરવો છે ?”

“ધ્રોળમાં. ઉવાં અમારા જાઈભાઈ છે. બે ઝાળાં ખેતરનાં દેશે તો ખેડી ખાશું.”

“આંહીં ન રહો ?”

“અંજળ ધ્રોળની ધરતીનાં છે, એટલે દિલ બીજે ઠરતું નથી.”

“દીકરીનો વીવા કર્યો છે ?”

“નથી કીધો.”

“કેમ ?”

“પોતે બળુકી બહુ છે, વસમી છે; કોઈ ધિયાનમાં ઊતરનારો જોરાવર જણ મળવો જોવે ને, બાપા !”

“શાબાશ. સમજદાર બાપ એનું નામ.”

ભૂચરાની કન્યા એ વખતે ધર્મશાળાના એકઢાળિયામાં પાડીઓને ભેંસોનું દૂધ પાતી પાતી ઊભી હતી. જાળિયું બહાર પડતું હતું. બહાર રસ્તા પર એ હાથીને હંફાવનારો ‘પરદેશી’ જુવાન ઊભો હતો. એના હાથની આંગળીઓ મૂછોના ઝીણા આંકડા વણતી હતી. એનું ધ્યાન જાળિયા તરફ નહોતું.

“કઈ વડી શૂરવીરાઈ કરી નાખી, તે મૂછોના આંકડા ચડાવતો હશે રિયો !” જાળિયામાંથી કન્યા નાગડાને સંભળાવતી હતી.

નાગડાને કાને આ ટોંણો પડ્યો. એની આંગળીઓએ મૂછો છોડી દીધી. એને ભોંઠામણ આવ્યું. એને લાગ્યું કે અંદર કોઈક બે જણાં પોતાને વિષે જ વાતો કરતાં લાગે છે.

ફરી વાર અંદરથી બોલાસ સંભળાયો : “મનમાં ગરવ હશે કે પોતે ન ધ્રોડી આવ્યો હોત તો હાય જાણે હાથી મારા ફોદા કાઢી નાખત.”

નાગડાએ આ વખતે તો જાળિયા સામે સીધી આંખો માંડી.

“આંહીં શીદ ટરપરટોયાં મારી રિયોછ ? ઘર ભેળો થઈ જા ઝટ ઘર ભેળો. મા વાટ જોઈ રે’શે તારી.”