પૃષ્ઠ:Samarangan.pdf/૧૬૬

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
152
સમરાંગણ
 


વેઢા ઊઠી આવે કે નહિ ? એના ગાલ એટલા લીસા હશે કે નહિ ? એને ઊંચે ઉછાળીને પાછી ઝીલી હોય તો ? એને કૂવામાં ધક્કો દઈને પછી અધ્ધરથી જ પકડી લીધી હોય તો ? એને મારા હાથની હથેળી ઉપર અધ્ધરપધ્ધર ઊભી કરીને પછી હડી કાઢી હોય તો કેટલેક સુધી સમતોલપણું ટકાવી રાખે ? એનાં બે બાવડાં ઝાલીને ફેરફુદરડી ફેરવીને પછી નીચે મૂકી દીધી હોય તો ચક્કર ખાઈને પડે કે ન પડે ? એને એક હાથે કમ્મરથી ઝાલીને બીજે હાથે દરિયો તરવાનો હોય તો સામે કાંઠે કચ્છની ભોમ સુધી પહોંચી શકાય કે નહિ ? વાજોવાજ દોડતે ઘોડે એને રસ્તામાંથી ઉઠાવી લેવી હોય તો કેટલી વાર લાગે ? પછી બેલાડે (પછવાડે) બેસારીને ઘોડો દોટાવું તો એ બીકની મારી મારા બદન ફરતા ભુજ ભીડી લ્યે કે નહિ ? ન ભીડે કેમ ? ન ભીડે તો પડે મોંભરિયાં, ને ફોદેફોદા નીકળી જાય. હું કાંઈ ઘોડો ઊભો ન રાખું ! પાછળ મને પકડવા વાર ચડી હોય ને હું શું ઘોડો થોભાવું ? એ હાથ મેલી દે તો મને બીજી કળા નથી આવડતી ? હું એને બેલાડેથી ઉઠાવી લઈને ખોળામાં જ ન બેસારી લઉં ! પછી તો પડવાની ધાસ્તી જ નહિ. પછી તો લગામ છૂટી જ મૂકી દેવાય, રેવત આભને ફાળ ભરતો જાય, મુલક પાર કરી જાય અને વંકા, લીલા, વાદળિયા પહાડોનાં કોઈ પ્રદેશમાં એને કંઈ જઈને કહું કે લે, તાકાત હોય તો ખચકાવી કાઢ આ મારી મૂછો. મારે હવે મૂછોની જરૂર નથી. મા જે વાત મને કહેવાની હતી તે વાત મેં જાણી લીધી છે, હવે એ વાતનો હિસાબ પતાવવા જ પાછો વળવાનો છું. મારે મૂછોની જરૂર નથી. ખેંચી લે કેમ ખેંચતી નથી ? ભૂલી ગઈ ? વાંક કબૂલ ? દઈશ કદી ગાળ ? બસ તયેં, હાલ હવે મા કને, માની આશિષો માગી લઈએ. એક રાત રહી લઈએ, પ્રભાતે તો...”

પોતે ઝબકી ગયો. આ હું શું કરી રહ્યો છું ? મેં લીલાગર તો પીધી નથી, ત્યારે કઈ અજાણી કલ્પનાભોમમાં ઊતરી પડ્યો છું !

વિચારોના વહેતા ધોરિયાને ભાંગી નાખવા માટે એણે લમણાં મસળ્યાં ને પછી એ કુંવરને મૂકવા ચાલ્યો ગયો.