પૃષ્ઠ:Samarangan.pdf/૧૭૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ભીડમાં ભેરુ
157
 


“મુલક પાર ! સામે પાર કોઈ બીજો મુલક છે શું, શાહજાદા ?” મુઝફ્ફર ઊભો થઈને પોતાનાં હથિયાર સજતો સજતો પ્રસન્ન ચહેરે બોલ્યો : “મૂલક તો હવે બેમાંથી એક જ છે. ફરી પાછું કાં તો એહમદાબાદ ને કાં પછી જન્નતાબાદ. બીજે ક્યાંય મારે ભાગી છૂટવું નથી.”

ઝીણાં-મોટાં તમામ અસ્ત્રશસ્ત્રો યોગ્ય સ્થાને સજવામાં ચાતુરી અને ખામોશ દાખવતો દાખવતો મુઝફ્ફર ‘એહમદાબાદ’ બોલ્યો ત્યારે કુંવર વધુ વિસ્મય પામ્યો.

“હજુ ફરીથી એહમદાબાદ પર ?”

“બેશક, ભાઈ ! ફરીફરીથી, જીવું છું ત્યાં સુધી તો ફરીફરીથી. હવે કાંઈ જંપીને બેસી શકાશે ? અણહક્કની રોટી તો ખુદાની ખલક પર બહુ દિનો ખાધી. લાચારીના ટુકડા પણ હજુ દાંતની પોલમાંથી છેક નીકળી નથી ગયા. હવે કાંઈ માલિક અણહક્કનું ખાવા દેશે ? તાકાત બક્ષ્યા પછી એ કાંઈ ટુકડા વીણવા દેશે ? ઇન્સાનનાં માનપમાનને એ તો પોતાનાં જ માને છે ને ! જંપીને બેસાય હવે. હું જઈ આવું છું બીબી પાસે. આપ બેસો. પલકમાં આવ્યો.”

મોટી મોટી ડાંફો ભરતો મુઝફ્ફર અંદર ચાલ્યો ગયો ત્યારે એની પહોળી પીઠનો બાજઠ દેખાયો. મોંની સિસોટી બજાવતો બજાવતો એ ગયો. નાગડા વજીરે એ સિસોટીના પરિચિત સૂર પારખ્યા. યમુના-તીરે બંસીમાં ઠાલવતો હતો તે જ માયલી કોઈ તર્જ બંસી વગરના એ જુવાને બે હોઠ વચ્ચેથી રમતી મૂકી હતી. કોઠામાં એ સુરાવળ ઢૂંઢા રાક્ષસની રૂપાળી કન્યા જેવી લાગી.

થોડીક વારમાં એ સિસોટીનું ગાન પાછું આવતું સંભળાયું. જબરદસ્ત ડાંફો ભરતો એ નવહથો જોધ આવતો હતો ત્યારે મશાલોને ઝાંખે અજવાળે એનાં હથિયારને જડેલાં રત્નો ચમકતાં હતાં.

“ઘણા દિવસની પ્યારી ઉમેદ આજે ઓચિંતી પૂરી થઈ.” મુઝફ્ફરે ફરીથી કુંવરના ખભા પર પંજા ધરીને કહ્યું : “જાણે સ્વપ્નમાં જ મળ્યા