પૃષ્ઠ:Samarangan.pdf/૧૮૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મા મળી
173
 

 પરનો તમામ કાબૂ ગુમાવી નાખીને કહ્યું : “જોરારનો ! જોરારનો ! જોરારનો જડી ગયો. જોઈ લ્યો, બાપુ, જોરારનો કેવો બંકો બની ગયો ! દેખો, જામ, સતા રાજા, ધવરાવ્યું તે લેખે લાગ્યું કે નહિ ?”

એમ કહેતી કહેતી જો એ ઉન્માદમાં ચડી જાત તો ગાંડી બનત. પણ એના બેહદ હર્ષાવેશનું ઊંડું પ્રયોજન એકદમ પકડી લેનાર યોગીરાજે એને ઉન્માદના સીમાડા ઓળંગી જતી અટકાવવાને માટે ૨ડાવવાનું જરૂરી માન્યું. એણે પોતાના સાધુને આજ્ઞા કરી : “ભવેશાનંદ ! યે જવાન કો ઝાડ કે સાથ બાંધ દો : પ્રાતઃકાળ મેં મુગલ સરકાર કે ફૌજદાર કો સોંપ દેના, ઔર કહના, ભયાનક જાસૂસ હૈ.”

“નૈ, નૈ, બાપુ. એવું ન કરશો, એને ન સોંપજો. એને ભાગી જાવા દ્યો. મારે એ પાછો નથી જોતો, એને પકડાવશો નૈ, દયાળુ !”

એમ બોલતી માતા રુદને ચડી ગઈ. પડીપડી ખૂબ રડી. ત્યાંથી ન ખસતા નાગને બાવડું ઝાલીને યોગી પોતાની રાવટીમાં લઈ ગયા, એને વહાલથી પોતાની પાસે બેસારીને પોતે બધી વાતથી વાકેફગાર બન્યા. આ વદ્ધા કેવા સંજોગોમાં જમાતને મળી તેની નાગને જાણ કરી. નાગે કશી ચોખવટ ન કરી. નાગ કે યોગી, બેમાંથી એકેય આ વૃદ્ધા માતાના ગૃહત્યાગની વાતનો નિગૂઢાર્થ હજુય નહોતા પકડી શક્યા. પ્રાતઃકાળે બધાં રહસ્યોનું છેદન થશે એવી રાહ જોતા ગુરુ-શિષ્યે જાગ્રતાવસ્થામાં જ રાત ગુજારી. સાધુએ સૌરાષ્ટ્ર-ગુજરાતની રાજકીય અવસ્થાના છેલ્લામાં છેલ્લા સમાચાર શિષ્ય પાસેથી મેળવી લીધા. પાછલા પહોરની શાંતિ વચ્ચે દેહ અને દેહી વચ્ચેના ભેદોની, બ્રહ્મબ્રહ્માંડની, મોક્ષ અને બંધનની સરળ મીઠી જ્ઞાનગોષ્ઠિ ગુરુમુખેથી ઝીલતો ઝીલતો નાગ નિજાનંદના પ્યાલા પીતો હતો. ગુરુ અશ્વવિદ્યા તેમ જ ગગનની જ્યોતિર્વિદ્યા ઉપર પણ ફરી વળ્યા હતા, ને રુદ્ર, સપ્તર્ષિ તેમ જ શુક્ર સમા તારાઓની ગતિ પણ દેખાડતા હતા.

પરોઢનું તારા-સ્નાન પત્યું અને સાધુઓ દેવસ્તવન માટે મંદિરના ધ્વજ નીચે જૂથે મળ્યા ત્યારે ગુરુએ વિશ્વંભરાનાં સવિશેષ ગુણકીર્તન