પૃષ્ઠ:Samarangan.pdf/૧૮૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
174
સમરાંગણ
 


કરી શિષ્યસંઘને ખબર આપ્યા : “ત્યાગીઓ ! આજનો પ્રાતઃકાળ પુનિત છે. એક મહાવિજોગની આજ રાત્રિએ સમાપ્તિ થઈ છે. આપણો પ્યારો વાસુકિ જનનીને પુનઃ પામ્યો છે. જનની પુત્રને પામી છે. માતૃ-હૃદયનો દુર્દમ આવેશ શમી ગયા પછી, ઓચિંતી ઇષ્ટપ્રાપ્તિનો ઊર્મિરોધ વિરમી ગયા પછી, પુત્ર પોતાની જનનીનું બુદ્ધિપૂર્વક, શુદ્ધ આનંદપૂર્વક મિલન પામે તે માટે તેણે ઊઠીને આપણા પ્રિય સ્તોત્રનો મંત્રોચ્ચાર કરતા કરતા જનનીનાં ચરણોમાં નમવું.”

વાસુકિ ઊઠીને માતાની સન્મુખ ઊભો રહ્યો. એના હાથમાં ગુરુએ પુષ્પો ધર્યા. ને પછી સ્તોત્ર કહ્યું : “जननी जन्मभूमिश्व. . .” એ સ્તોત્ર આખા યોગી સંઘે ઝીલ્યું પછી એ સ્તોત્ર નાગે ઉચ્ચાર્યું. પુષ્પો માતાને પગે મેલીને નાગે મસ્તક ઝુકાવ્યું ને માએ એનાં મીઠડાં લીધાં ત્યારે ગુરુદેવે ઉચ્ચાર કર્યો : “તારું જીવન અને તારું મૃત્યુ, બન્ને જનનીના પય સમાં ધવલ બનજો.”

પછી મા-દીકરાને એકાંતે બેસવા દેવાની ઇશારત ગુરુદેવ તરફથી થતાં સર્વ પોતાની દિનચર્યામાં પડ્યા. માની નોખી રાવટીમાં પુત્ર ગરીબડો બનીને માની નજીક બેઠો. એને નવીનતા અકળાવતી હતી. એના હૃદયમાં જાણે વાતાવરણમાંથી કોઈ ઘેનની સુવાસ ઊઠતી હતી. મા સાંપડી છતાં હાથમાંથી સરી તો નહિ જાય ? માને જવાબ દેતાં આટલો મૂંઝાઉં છું તે ક્યાંઇક મારી જબાન તો ખોટી નહિ પડી જવાની હોય ? જલદીજલદી શબ્દો કેમ ફૂટતા નથી ? માનાં દર્શનને રૂંધનારાં આ આંખોમાં ઊભરાતાં પાણી ત્યાં ને ત્યાં સુકાઈને કાયમી અંધાપાનાં પડળ તો નહિ બની બેસે ? અને આ કોઈ તરકટ તો નહિ હોય ને ?

નાગની આવી મનોદશા મટતી નહોતી. માએ એક પ્રશ્ન પૂછતાં અતિ ઘણી મહેનત અનુભવી : “તારા – બાપુ – ને – જોયા ?”

નાગે હકારમાં ડોકું હલાવ્યું.

“ઓળખાણ પડી ?”

નાગનું માથું નકારમાં હલ્યું.