પૃષ્ઠ:Samarangan.pdf/૧૯૪

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
180
સમરાંગણ
 


ને વેરાન એની કાયાનું કલેવર હતું. પશુના માલિકો પોતાનાં ઢોરની સાથે વાતો કરે છે એ તો જાણીતું છે. પણ ભૂચરો રજપૂત તો નિર્જીવ-નિષ્પ્રાણ ટીંબાની સાથે છૂપી ગોઠડી કરતો હતો. પ્રભાતે ટીંબો ટાઢી હવાના બોલ બોલતો, ને બપોરે ધગધગતી લૂક એની વાચા બનતી. રાત્રિએ કાળો અંધકાર ટીંબાનો અવાજ હોય તેમ ઝમઝમ કરતો. ચોમાસે હરિયાળી ટીંબાની જબાન બની જતી. એ વેરાનનો શબ્દેશબ્દ સાંભળતો ને સમજતો ભૂચર પોતાને કોઈ બોલાવતું હોય તેમ હાથ, માથું ને જીભ ચલાવતો. કોઈક બોલાવતું હતું : "ભૂચર મોરી !”

“હં, શું કહો છો, ભૂચર મોરી !” માનવી જવાબ દેતો.

વેરાન પૂછતું : “રાજુલબાઈ રોટલા લઈને આવી ?”

“હમણો આવશે.”

“ભૂચર મોરી !”

“હું ભૂચર મોરી.”

“રાજુલબાઈને માથે તમે તપી કેમ જાવ છો હમણાં હમણાં ?”

“તપું નહિ તો શું મરું ?”

“કાં ?”

“દોહવા બેસું છું તયેં વાછરુ-પાડરુને ઝાલી રાખતી નથી.”

“તે દી નવેનગર તો હાથીની સામે ય મોટી ખડેલીને ઝાલીને માથે હેલ્ય લઈ આવી’તી તે યાદ છે ?”

“હા, યાદ છે. તે દીથી જ ભાન ભૂલીછ.”

“કારણ ?”

“રોટલો ક્યાં ખાય છે ?”

“કારણ ?”

“તું જાણ.”

“હું જાણું છું.”

“તો કહેને ભલો થઈને, ભાઈ.”

“એનો વિવા કર.”