“પછી તે પાણી પાયું ?”
“હું માટલી લઈને એની પાસે જાઉં, એટલે એ કહે છે, કે રાજુલ તું તારા મોંયે એ પાણી પી ને પછી મને પિવરાવ.”
“તેં પીધું ?”
“હા, ને પછી પિવરાવ્યું. એ પાણી પીતો જ જાય, એની તરસ છીપે નહિ, માટલીમાંથી પાણી ખૂટે જ નહિ.”
“બાઈ, વાત પેટમાં રાખજે. આંહીં જો જાણ થશે તો દરબાર ઊભાં રહેવા નહિ આપે. ડાકણ્યાં કહી કહીને કાઢી મેલશે ને વસ્તી પાણકેપાણકે પીટી નાખશે.” બાપ આભો બની ગયો.
“બાપુ.” રાજુલ અગાઉ કોઈકોઈ વાર કહેતી : “હાલો આપણે નાગની વયાં જાયેં.”
“કેમ ?” બાપ હસ્યો : “વજીર બાપુ આટઆટલી વાર આંહીં આવીઆવીને રગરગી ગયા, કે હાલો નગર, હાલો નાગની, ત્યારે તો તું ને તું ના પાડતી’તી. ને હવે કેમ આપોઆપ હૈયું બદલી ગિયું ?”
“બદલી ગિયું, ધરાર બદલી ગિયું. હવે કાંઈ કે’વું છે તમારે ?”
મા વગરની દીકરીને નાનપણથી જ બાપની હારે એક પ્રકારની ભાઈબંધી થઈ ગઈ હતી. દીકરી જે વાતો જગતમાં એક જનેતા પાસે જ કહી શકે, તેવી વાતો કરવાનું ઠેકાણું રાજુલને એનો બાપ બની ગયો હતો. બાપ ઘણી વાર હાંસી પણ કરતો. દીકરી સામા જવાબો પણ હસીને જ દેતી. બાપ જ્યારે મેણું મારતો કે ‘આખો અવતાર મારે કપાળે જ જડાઈ રહી છો ?’ ત્યારે દીકરી જવાબ વાળતી કે ‘તયેં શા સારુ ફરી ઘર નથી કરી લેતા ? નવી મા આવશે એટલે મને ઝપાટામાં ભગાડી મૂકશે’. બેમાંથી કોઈ એકબીજાને છોડી જાય તેવું રહ્યું નહોતું. અને રાજુલે છેલ્લાં પાંચેક વરસથી સીમમાં એટલાએટલા જુવાન છોકરાઓને બડૂકબડૂકે ઢીબ્યા હતા, કે આ છોકરી કોઈ જેવા તેવા રજપૂતનું ઘર નહિ જ ચલાવી આપે એની બાપને ખાતરી થઈ હતી. ફક્ત મોટો ફેરફાર નાગની ગામથી થયો હતો. ત્યારથી એણે જુવાન કે મોટા મરદોથી