પૃષ્ઠ:Samarangan.pdf/૧૯૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
184
સમરાંગણ
 

 પોતાની જાતને છેટી પાડી દીધી હતી. કજિયાળો સ્વભાવ એણે ઓછો કર્યો હતો.

જેસા વજીર ધ્રોળ પાસેના નગરના સરહદી ગામ હડિયાણામાં વારંવાર આવતા-જતા, સીમાડાની ચોકી પાકી રાખવા માટે તેમને આવવું પડતું. હડિયાણે આવતા ત્યારે ત્યારે ભૂચરાની ઝૂંપડીએ આંટો મારી રાજુલની ખબર પૂછી જતા અને રાજુલને લલચાવતા.

“નાગની હાલ, બેટા, હવે અમે ગાંડા હાથીઓને મોકળા નહિ મૂકીએ.”

ભૂચરાને પણ વજીર પોતાની સાથે સીમાડા સુધી લઈ જઈને વાતવાતમાં કહેતો : “ભાઈ, તારી દીકરીના નસીબમાં સાચી સિપાઈગીરી કરનાર સિવાય કોઈ ખેડુ કે માલધારી રજપૂત સામશે નહિ.” વજીર આખરે એક એવા દિવસની વાટ જોતા કે જ્યારે પેલા અજાકુંવરના ‘પરદેશી’ જોદ્ધા માટે રાજુલનું માથું નાખી શકાય. પણ એ નામ રજૂ કરવાનું ટાણું પાક્યું નહોતું. વજીરને આ વાત હૈયા સમી થઈ પડી હતી. એ વાંકડી મૂછોવાળા ત્રીસ વર્ષના દફેદારનું વલણ પોતાના પ્રત્યે ઓછું તેમ જ કાંઈક અણગમાની છાંટવાળું હોવા છતાં વજીરને નહોતું સમજાતું કે પોતે શા કારણે એ છોકરાની સંસારી ચિંતા સેવ્યા કરતા હતા. કારણ જડતું નહોતું. એટલે પછી વજીર એમ વિચારીને દિલ મનાવતા હતા કે એવો બંકો ન ઠેકાણાસર વરે-પરણે તો મારા અજા જામને આંગણે તેજસ્વી સિપાઈગીરીનો વેલો ચાલે. અગાઉની આ બધી વાતોથી ભૂચરને થયું કે વજીર પાસે આ પંખીવાળી ઘટના કહી દેવી જોઈએ.

જોગાનુજોગ એવો બન્યો કે દ્વારકાથી વળી આવતી બાવાઓની જમાતે આ અરસામાં જ પોતાનો પડાવ ધ્રોળને પાદર નાખ્યો. જમાતપતિને મળવા આસપાસના રાજપુરુષો ધ્રોળ આવ્યા હતા. તેમને સૌને તેડાવીને જોગીવરે પોતાના મનની વાત બહાર પાડી. ધ્રોળના પાદરમાં છેલ્લાં ચાલીસ વર્ષની અંદર બે કારમા રણસંગ્રામો થયા : ઝાલા. અને જાડેજાઓના નજીવા કલહ-કારણે આ ભૂમિએ લોહી પીધું છે.