પૃષ્ઠ:Samarangan.pdf/૨૦૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
મંત્રણા
193
 


અણખૂટ સમજવી. એ બેનું નામ પડતાં મડદાં બેઠાં થાય છે.”

“ત્યારે આપણે તો સૂડી વચ્ચે સોપારી.”

“અક્કલ ચલાવીએ તો સોપારી સેરવી પણ લેવાય, ને સૂડી ય બૂઠી બની જાય.” લોમા ખુમાણે આશા આપી. “એવી રીતે રમવા જેવી રમત છે કે જામ હાર પણ ખાય, ને પાદશાહી સૂબો આપણો ઓશિંગણ બની રહે.”

“આપણે જામની સખાતે જાયેં જ નહિ ને પાદશાહનો અમલ સ્વીકારી લઈએ તો ?”

“પાદશાહ ઇતબાર રાખે નહિ. આ તો ત્રીજી વારનો મામલો છે. અગાઉ બે વખત આપણે બોલ્યું પળ્યા નથી.”

“ત્યારે ?'

“હું એ જ કહું છું. જામની સખાતે જવું, ને સૂબાને સંદેશો દઈ મેલવો, કે જુદ્ધમાં તમે જીતી રિયા. જામની શક્તિ અનગળ છે. કહો તો અમે તમને જિતાડીએ – જીતવું હોય તો અમે જ જિતાડી શકશું. બાકી તો માર ખાઈખાઈને પાછા ગયા કરશો.”

“આપણે કેવી રીતે જિતાડી દઈએ ?”

“ખરો મામલો જામે એટલે આપણે આપણી ફોજને બહાર કાઢી લેવી. આપણે રહેશું ફોજની હરોળ સાચવવા. હરોળના પગ ખસ્યે પછી જામની ફોજનાં કાળજાં ભાંગી જવાનાં.”

“દગો કરવો પડશે ?”

“જામે સોરઠમાં ક્યાં નેકીથી પગ મૂક્યો છે ? પગલેપગલે દગલબાજી કરી છે. અને તમે જૂનાગઢમાં ના પડાવી મોકલી તોય જેસા વજીરે તમારો ઘાણ બગાડીને પાદશાહની ને તમારી વચ્ચે કાયમી વેર વાવી દીધું. મેં કેટલી ના પાડી, કેટલા વાર્યા, પણ એને તો સોરઠ એકહથ્થુ કરવા સિવાય બીજી વાત ક્યાં છે ? મારા માથે એણે કેવો કાળો કેર ગુજાર્યો, જાણો છો ? લૂંટનો 'શેરજહ’ હાથી ધરાર મારું અપમાન કરીને પોતાને હાથીખાને બાંધી દીધો. એ ખટક મારા હૈયામાં રુઝાણી નથી,