પૃષ્ઠ:Samarangan.pdf/૨૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
216
સમરાંગણ
 

 દિવસથી હું મનમાં સમસ્યા સંઘરીને ભમું છું, પણ ગુપ્ત વાત પૂછવાનો અમારો ધર્મ નથી. હું ચુપ રહ્યો છું.”

વજીરને કડીબંધ વાર્તાની પિછાન પડી ગઈ. પણ એક બાબત પોતાને નહોતી સમજાતી. એણે પ્રશ્ન કર્યો પત્નીને : “તમે આને...”

“દૂધ પીતી કરવા મને સોંપેલી રાજકુંવરી સાંભરે છે ?” જોમાબાઈએ પૂછ્યું.

“હા ! વીશેક વરસ પહેલાંની વાત, વાહ ! હત્યા કેવી નડે છે ?”

"ભૂલ્યા છો, રાજ. હત્યા નહિ, હીન ગુલામીનાં પાપ નડે છે. મેં હત્યા કરી નથી. મેં સોંપી સરાણિયાને. એ જ આ જામકુંવરી. બાપે ઊઠીને જ એની બુદ્ધિનો દીવડો ઓલવ્યો છે. પણ જીવતી રહી છે, સગા ભાઈના મરશિયા ગાવા માટે.”

“ગાંડાં થાવ માં. અમંગળ બોલો મા. અજાજીને ઈશ્વરનાં રખવાળા છે.”

“લખ્યા લેખ નહિ ટળે, રાજ ! તરવારની ધારે મંડાણા છે આંકડા.”

ગાંડી બાઈનો બુદ્ધિ-દીવડો ઘડીક સ્થિર બન્યો. એણે કહ્યું : “ભાઈને એક વાર તો જોઈ લઉં ! એક વાર પણ નહિ મેળાપ કરાવો ?”

“એને ચુપ રાખજો. ને લ્યો ત્યારે હવે, બોલ્યાં-ચાલ્યાં માફ કરજો. તમારાં માછલાંને બન્યું ત્યાં લગી તો રીઝવ્યાં હતાં. હવે તો જીવ્યામૂઆના જુવાર છે.”

ઘોડો પલાણીને ચાલી નીકળતાં એણે મનને કહ્યું : “અરે જીતવા ! આટલી જ ઘડીમાં કેટલું બધું જાણ્યું ! તું આ અગણિત ભાલાંને ચાર-આઠ દીય શું હૈયે સંઘરી શકીશ ?”

ત્યાંથી સીધો ઘોડો ઉપાડીને જેસા વજીર ભૂચર રજપૂતને ખોરડે ગયા. અંદર એક ખૂણામાં બેઠી બેઠી રાજુલ ઘીનો એક દીવો બાળતી હતી. એના લલાટ પર સિંદૂરની પીળ્ય હતી. એ કાંઈક જપતી હતી.

“રાજુલ, દીકરી,” વજીરે એની પાસે જઈ, પગે લાગીને કહ્યું : “તારાં આગમ સાચાં પડ્યાં. હવે તો એક જ વાત કહેવા આવ્યો છું.