પૃષ્ઠ:Samarangan.pdf/૨૩૫

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સુરાપુરાનો સાથ
221
 

 રિયા ભદ્રેસરના મહેરામણજી – ઓ હો હો ! મારો ગોપાળ ગઢવી તો એથી યે મોખરે ! – હું આવ્યો છું, આવી પહોંચ્યો છું, હોં મહેરામણજી ! મને મારગ આપો, ગોપાળ બારટ !”

"બાપા, તમે ? તમે બાપા ચંદેલીમાં રહો.”

“નહિ, બારટ. હું સૌની હરોલીએ, હું મારા ગુરુદેવની – પાસે – ઓ રહ્યા જેસા વજીર, ઓ જો લોહી તરબોળ ! ઓ ઝૂઝે એને જમણે પડખે મારો દફેદાર : મારું સ્થાન ત્યાં છે, મોખરે છે, કોકતલાશના હાથીની સન્મુખે છે. મારગ દિયો, મને મારગ દિયો, મને જરીક જેટલી જગ્યા દિયો – ને વચ્ચે કોણ ? આ નાગડા બાવાઓની જમાત ? વિણ બખ્તરે, વિણ કપડે લડે છે ? વિણ સ્વારથના આ સખિયાતો કોણે, પ્રભુએ મોકલ્યા ! ભલાં ભલાં ભલાં ! સુરાપુરાઓ, મારગ દ્યો, મને ભેળો લ્યો, મને મુંગલાના હાથીડા જોવા દિયો –”

એવી ત્રાડો મારતા કુંવર ઘોડાને આગળ કાઢતા કાઢતા એકદમ મોખરે આવી ગયા ને એણે પડકાર્યું : “જેસા વજીર ! દફેદાર !”

“આવી પોગ્યા, બાપા !” જેસાએ ધુમાડાના ગોટેગોટ વચ્ચેથી જવાબ દીધો : “આંખ્યું તો ગઈ છે મારી. દેખતો નથી. સાદ પારખું છું. હવે થોડી જ વાર છે.”

ભૂચર મોરી ! ભેંકાર ભૂચર મોરી !

ઝબાઝબી : ઝબાઝબી : ઝબાઝબી : આયુધોના એવા અવાજોની વચ્ચે, શબોના ઢગોની હડફેટે, ‘મળશું મળશું સુરાપુરાને દરબાર !’ એમ લલકારતો કુંવર પોતાના પ્યારા દોસ્ત દફેદારની ઘોડાની લગોલગ જઈ પહોંચ્યો : “દફેદાર ! દફેદાર ! રંગ દફેદાર !” કુંવરે એને શત્રુઓના હાથીઓનાં તૂંડ ભેદતો જોયો.

“દફેદાર નહિ બાપા.” જેસા વજીરે અર્ધઆંધળી દશામાં હાક દીધી : “તારો નાનપણનો ભાઈબંધુ નાગડો વજીર, જડી આવ્યો, જડી આવ્યો. મારે પડખે ઝૂઝતો એને પેટ ભરી જોયો છે. જોઈને પછી જ મેં આંખ્યું ખોઈ છે. તારો ભેરુ. તારો ભાઈ –”