પૃષ્ઠ:Samarangan.pdf/૨૫૧

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
માનું પેટ
237
 

 રા' ભારો તમને ગોતું છું. હું રાવ ભારમલજી ! બીજું કોઈ નથી આંહીં, બીઓ મા.”

‘બીજું કોઈ નથી. હું રા’ ભારો છું, બીઓ મા’ એ બોલના ત્રણ વારના હાકલાના જવાબમાં મુઝફ્ફર ગુપ્ત રહેઠાણ છોડીને બહાર નીકળ્યો. રાવ ભારોજી એને જોઈને ભેટી પડ્યા. ખૂબ હસ્યા.

“આટલા બધા બીના? એ તો બધા પાછા ચાલ્યાય ગયા. બીઓ છો શું?”

એને વાતોએ ચડાવી કોતરમાંથી બહાર કાઢ્યો. સહેજ અંધારું થઈ ગયું, અને એ અંધકારનું પેટ ચીરીને જ જાણે કે ઊઠેલા સો સૈનિકો. મુઝફ્ફરને ઘેરી વળ્યા.

“લ્યો આ તમારા ચોરને સંભાળી લ્યો, સરકાર !”

એટલું બોલીને રા' ભારોજી મુઝફ્ફર તરફ પીઠ વાળીને ઊભા રહ્યા.

“વફાદાર રાવ સાહેબ,” ફોજના આગેવાને રા’ ભારાને સલામ કરીને કહ્યું: “અહેસાન આપનો, મોરબી પગરણું આપ આવતી કાલે જ સંભાળી લેજો. લો આ રુક્કો.”

*

“ચુપ રો’, એય બદમાશ !” નગરને દરવાજે ચોકી કરતો મુસ્લિમ પહેરેગીર વાતો કરનાર વટેમાર્ગુને ચેતવતો હતોઃ “આનું નામ જામનગર નથી હવે, હવે તો ઇસ્લામાબાદ છે.”

“બહુ સારું, બાપા ! જમાદાર સાહેબ ! તમે કહો તેમ.” વટેમાર્ગુ જવાબ વાળીને ગામમાં જતો હતો. લોકોની જીભ પરથી નાગની મિટાવીને જામે પોતાનું નામધારી કરેલું જામનગર તે દિવસ (સન 1594માં) મુગલ સૂબાનું ઈસ્લામાબાદ બન્યું હતું. ત્યાં અકબરશાહના એક સૂબાની નિમણૂક થઈ હતી.

એક દિવસ ઇસ્લામાબાદની એક પાકી ઈમારતમાં કચ્છથી પાછી વળેલી ફોજનો પડાવ થયો. રાજકેદી મુઝફ્ફરને દિલ્હી પહોંચતો કરવા.