પૃષ્ઠ:Samarangan.pdf/૪૬

વિકિસ્રોતમાંથી
Jump to navigation Jump to search
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
32
સમરાંગણ
 

 નહનૂ હાંફળોફાંફળો બની ગયો.

“ભેંણ, મને જલદી અસ્તરો આપી દે. મને ચાબુકો ફટકાવશે. મને રજા દે, ભેંણ !”

“કોણ ચાબુકો ફટકાવશે ?”

“અમીર ઇતમાદખાં.”

“છોકરો ગાંડો થઈ ગયો છે. કોક પોતાનો નામેરી રાજા બન્યો એટલે આ ભરાંત ઊપડી લાગે છે.”

“બસ, ભેંણ. જલદી આપ.”

અસ્તરો લઈને ઇજારમાં છુપાવી એણે ઓટલેથી ઊતરીને દોડતી પકડી. ને પાછળથી એ સરાણિયણના છેલ્લા બોલ સાંભળ્યા : “સજાયો જીવની ઘોડે જાળવી રાખજે. ને હવે તો સોરઠમાં મળશું.”

દૂર થંભી જઈ બહેનને બેઉ હાથે સલામો કરી, બાળક નહનૂ અમદાવાદ શહેરની આડી-અવળી ગલીકૂંચીઓ ચીરતો દોટમદોટ ભદ્રના રાજ્યાલયમાં પેસી ગયો. ભાગોળો ને તળાવ-પાળો ખૂંદતી ઘોડવેલ પણ સાથોસાથ આવી પહોંચી. અંદરથી ઇતમાદમાં ઊતર્યા. એના હાથમાં ચાબુક હતો. ચાબુકની લાંબી દોરીની શેડ્ય સાપની પૂંછડી પેઠે એની પાછળ ઘસડાતી આવી ને પછી બહાર ઊભેલા પહેરગીરોએ, મહેલના ખોજાઓએ, દાસદાસીઓએ, ચાબુકના ફટકારા અને બાળકની રૂંધાઈરૂંધાઈ નીગળતી ચીસો સાંભળી.

“અદલ આવી જ પુકારો,” ઇતમાદખાન સુલતાનને મારતોમારતો હસતો હતો : “બરાબર આ જ ચીસો તારી અમ્માએ પાડી હતી, બદબખ્ત ! અદલ એ જ સૂર, એ જ અવાજ તારી માનો હતો, કમનસીબ ! હા-હા-હા-હાં–” ઇતમાદમાં દાંત કાઢતો હતો. એનું હસવું ને બાળકનું રુદન, બેઉની ત્યાં મહેલના ઘુમ્મટમાં સ્વર-ગૂંથણી થઈ રહી.