પૃષ્ઠ:Samarangan.pdf/૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
36
સમરાંગણ
 



7
અજો જામ

જામનગરની આખી વસ્તીમાંથી એક જ માનવી એ ખોવાયેલ બાળક નાગડાની માનસિક ખોળ કરતું હતું. એ પણ એક બાળક જ હતું. સતા જામનો સાતેક વર્ષનો દીકરો અજો જામ નાગડા વજીરની ઝાલર વગાડતી મૂંગી પ્રતિમાનો પ્રેમી હતો. નાગડો અને અજો શિવાલયમાં થોડી એકાંત મેળવી લેતા. અજો શિવાલયના ઘંટને આંબી શકતો નહિ, નાગડો પોતાના શરીરની ઘોડી કરતો તેના પર ચડીને અજો મહાદેવનો ટોકરો રણઝણાવતો હતો. નાગડો ને અજો આશાપરાના દેવળની પાછલી કોરે કલાકો સુધી વગરબોલ્યા બેસી રહેતા, એકબીજાના પંજા મેળવીને જાણે ભાવિનાં અબોલ આત્મબંધનો બાંધતા. બે બાળકોના એ મૂંગા કોલની, મા આશાપરાની આંખોની કોડીઓ સાક્ષી બની હતી.

એક દિવસ બાપુ સતા જામે આ બે બાળકોનો મેળાપ જોઈને નફરત બતાવી હતી. અજાનો કાન ખેંચીને બાપે સૂચના કરી હતી કે ‘એ જોરારનાની સોબતે બાયલો બનીશ બાયલો !’ તારા બાપનું રાજપાટ બાયલાથી નહિ સચવાય. ખબરદાર જો ફરીથી એની ભેળો રમતો-ભમતો દેખ્યો છે તો’.

નાગડાને ખબર નહોતી પડી કે વળતા દિવસથી ભેરુ કેમ આવતો બંધ થઈ ગયો. નાગડાએ રોજેરોજ વાટ જોઈ હતી. બોકડાગાડીમાં અજાને બેસાડીને પાસવાનો નીકળતા ત્યારે નાગડો આંબાની ઓથે ઊભો રહેતો, અજાને ધરાઈધરાઈને જોઈ લેતો પણ બોલાવી શકતો નહિ. ભાઈબંધીની મેખો વર્તમાનમાંથી ઊખડી જઈને જાણે કોઈ આઘેઆઘેના ભવિષ્યકાળના મેદાન પર ખોડાતી હતી. ભેરુની બોકડાગાડી નજીકનજીક આવતી ત્યારે નાગડો મારગકાંઠાના ઝાડ ઉપર ખિસકોલાંની ઝડપથી ચડી જતો, ને આંબાનો ઝીણો મરવો, લીંબોળી, પેપો અથવા આંબલીનો કાતરો અજાના ખોળામાં ટપ દઈને પડતાં મૂકતો. અજો ઊંચે જોતો