પૃષ્ઠ:Samarangan.pdf/૫૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
38
સમચંગણ
 

 પોતાની દીકરીઓને પાદશાહો સાથે પરણાવી પોતાની આબરૂ વધારતા, તે રીતે આ મારી કુંવરી સુલતાનના સિક્કાને પરણાવીને હું આજથી મારી આબરૂ વધારું છું.”

“અચ્છા ! અચ્છા ! શાબાસ, સતા જામ ! તુમારી કુંવરી કી હમેરા રૂપિયા કે સાથ શાદી કરતે હો ? બહોત ખુશ. બડી ખુશી કે સાથ તુમ તુમારી યે છોટી ચોઆની કા ચલણ ચલાઓ. ઇસકા નામ હમેશ કે લિયે ‘કુંવરી’ હી રખના. હમારા સિક્કા, તુમારી કુંવરી. દોનોં કી શાદી : વાહવા જી વાહ ! તુમારી ઇજ્જત બઢ ગઈ.” એમ બોલીને સુલતાને બાપુને સનંદ આપી – જામનગરની ટંકશાળ ખોલીને ‘કુંવરી’નું ચલણ ચલાવવાની.

બાપુએ ન સિંહ માર્યો, ન વાઘ માર્યો, ન બિલાડું ય માર્યું, ન કોઈ તલવારની પટાબાજી રમીને સુલતાન રીઝવ્યો. રીઝવ્યો પોતાની ‘કુંવરી’ પાવલીને સુલતાનના રૂપિયા સાથે પરણાવીને ! ફિટકાર હોજો બાપુની એ કરામતને. ફિટકાર હોજો એ રાજપૂતની હીણપતને.

બાળ અજાનો આત્મા કળકળાટ કરતો ગુમરાઈ રહ્યો. જામનગરની નવી ટંકશાળમાંથી નીકળેલી એ ‘કુંવરી’ના રૂપલા સિક્કાને સ્પર્શ કરતાં પણ બાળ અજો અગ્નિસ્પર્શથી દાઝતો હોય તેવી વેદના અનુભવવા લાગ્યો. બાપુના એ વિજયોત્સવમાંથી બાળ અજો બહાવરો બની દૂર ભાગ્યો. એણે મોં છુપાવ્યું. એને પોતાના ગુમ થએલા ભેરુની લીંબોળીઓ ને પેપડીઓ, મરવા ને કાતરા વધુ જોરથી યાદ આવ્યાં.

એ કરતાં તો દિલ્હીનો પાદશાહ વધુ સેવવાલાયક એણે સાંભળ્યો. રાણા રાયસંગની વાત એણે સાંભળી હતી. હજુ તો ચાર-પાંચ જ વર્ષ થયાં હતાં એ વાતને. હળવદનો રાજરાણો રાયસંગજી ઝાલો ધ્રોળવાળા કાકા જામ જસાજીનો જુવાન ભાણેજ હતો. મોસાળ આવ્યો હતો. એક દિન ધ્રોળને પાદર નગારાંના ધ્રોંસા થયા. મામા જસા જામે હાક મારી કે “હાં, ખબરદાર, છે કોઈ કે ? તપાસ કરો, ધ્રોળને પાદર નગારાં વગાડનારો કોણ એ મોતને નોતરી રહ્યો છે !”