પૃષ્ઠ:Samarangan.pdf/૬૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સોરઠનો કોલ
49
 

 બધું જ જાણતો બેઠો છું. મારા અસવારો દનરીજ વાવડ લઈને આવે છે. આપ હાથમાંથી વછૂટી ગયા પછી ઇતમાદખાં બાપો લપાઈ બેઠા છે. ને અમદાવાદની ગાદી માથે ચંગીઝખાં ચડ્યા છે.”

“ચંગીઝખાં ?”

“હા, સુલતાન.”

“ચંગીઝખાં ગુલામ !”

"હા, ને એ ઇતમાદખાંને લલચાવે છે, કે પાછા જૂની જગ્યા પર આવીને સત્તા સંભાળી લ્યો.”

“ઇતમાદખાં શું જવાબ વાળે છે ?”

“એ તો આપને જ ગોતે ને ?”

"લોમા ખુમાણ,” સુલતાનનું મોં ગરીબડું બન્યું : “મને પાછો સોંપી તો નહિ દિયો ને ?”

“સોરઠમાં આવ્યા એટલે માના પેટમાં બેઠા હો એવું જ જાણજો, ધણી ! કોઈ ન સોંપે.”

“ને મારે તો ગુજરાતનું રાજ્ય પણ નથી જોતું, લોમા ખુમાણ. મારે કિતાબો ભણવી છે, ઘોડેસવારી કરવી છે, તમારા ચારણોને મોંયેથી ઇમાનદારીના અદ્‌ભુત કિસ્સાઓ સાંભળવા છે.”

“એ બધું ય ઠીક, પણ રાજપાટ શા માટે પાછું નથી જોતું ? તમે હક્કદાર છો, સાચા સુલતાન છો.”

“ના રે ના, કાઠીરાજ, હું તો બનાવટી સુલતાન હતો.”

“આજ સુધી બનાવટી હતા, તો અમે સાચા બનાવશું. અમે સોરઠિયાઓ આપની ભેરે છીએ.”

“સતા જામ પણ ?”

“અફર. સમજાવવો રહે છે એક ફક્ત આપના જૂનાગઢ-સૂબા અમીનખાન ઘોરીને.”

"હા, હા, અમીનખાન. અમીનખાનને મારા ઉપર ભારી પ્યાર છે. અમીનખાનની પાસે હું જલદી પહોંચી જાઉં.”