પૃષ્ઠ:Samarangan.pdf/૮૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
66
સમરાંગણ
 


ખૂબસૂરતી ! હટ ! એક સુલતાન-સર્જકને એવી પોચી ભાવનાઓની શી પડી હતી ! મારી તો ગણતરી છે, પાછા ગુજરાતની ગાદીના કુલ માલિક બની જવાની.

પણ એણે મોડું કર્યું, અતિ મોડું કર્યું. એને તો બેસવું હતું, જીતનારના ગાડે. એણે રાહ જોઈ, બીજાઓનો ઘડોલાડવો થઈ જવાની. પરદેશી બુરહાનપુરી પરાજય પામીને ભૂંડે મોંએ પાછો વળ્યો, કેમ કે સ્વદેશપ્રેમી ગુલામ ચંગીઝના કલેજામાં ગુજરાતને ગુલશન બનાવવાની જે તમન્ના હતી તે તમન્નાએ પરદેશી બુરહાનપુરી મહમદશાહને ક્યાં મરણિયો કરી મૂક્યો હતો ? સ્વદેશપ્રેમી ચંગીઝે સાંભળી લીધું કે એ પરદેશી લૂંટારાના પીઠબળ તરીકેનું કામ પાલ પ્રદેશમાં બેઠે બેઠે ઇતમાદે જ કર્યું હતું.

બુરહાનપુરીને માર મારી પાછો કાઢ્યા બાદ ફરી વાર ચંગીઝે કાસદ મોકલ્યો.

“ઓ ઇતમાદ ! હજુ આવો, પાછા આવો, પાલનું તમને પાણી લાગશે. રાજ-બુંદની જીદ છોડી દો, આવો, ગુજરાતને ગુલશન બનાવીએ.” પણ ઇતમાદે તો નિશ્ચય કર્યો : ‘ન જાઉં, ગુજરાત ગુલશન બને તેમાં મારી કઈ મુરાદ ફળે ? હું ત્રણ-ત્રણ સુલતાનોને માથે હાથ મૂકીને ગુજરાતનું તખ્ત સોંપનારો, ન લઉં એ ગુલામ-પુત્રની મહેરબાનીનો ટુકડો.’

ઇતમાદ એકલો પડી ગયો. એક પછી એક તમામ અમીરોએ ચંગીઝખાનની તાબેદારી સ્વીકારી.

પણ ચંગીઝખાન સ્વપ્નદ્રષ્ટા હતો. ગુજરાતના અમીરો ધરતીનાં માનવી હતાં. સ્વપ્નદ્રષ્ટાની એક જ ભૂલ થઈ ગઈ. પોતાની માતાના જનાનખાનામાં એક ગુલામ હતો. મુસલમાન રાણીવાસના ગુલામો એટલે કાં તો કુદરતી જ નામર્દી, અથવા બનાવી લેવામાં આવેલા નામર્દો. આ નામર્દનું નામ બીજલખાન. ચંગીઝખાનના બાપે એ ગુલામને ભણાવેલો ને ચંગીઝખાને એને અમીરની પદવી આપી, ખંભાત ગામ એનાયત કર્યું.