પૃષ્ઠ:Sandeshika.pdf/૧૧૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦૪


આવો નવરસના રઢિયાળા !
ગિરિગહ્વરમાં ભરી ઉછાળા કેસરિયાશું રમતા બાળ !
વાઘમૂછ પકડીને ફરતા કાઠી ઘોડીના રખવાળ !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૧


તીર્થે તીર્થ શુચિતા સ્થાપી :
ગરવી સાભ્રમતી ને તાપી, ભરે નર્મદા નવનવ નૂર;
ગુણી ગોમતી, સરસ્વતી ને દમણગંગાનું જળ શૂર !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૨


છે અદ્‌ભુતતા એ કંઈ જુદી !
પશ્ચિમસાગરનાં જળ કૂદી ઉછળી ગગન કસે નિજ જોમ;
વિંધ્ય અને ગિરનાર દિશા બે ઊભી ઝીલે પડતું વ્યોમ !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૩

એવાં ઓ ગુર્જર સંતાનો !
હિંદુ, પારસી, મૂસલમાનો, ખ્રિસ્તિ, બૌધ કે જૈન ચહેલ !
ભુજશું ભુજ ભીડીને આવો : એકજ પ્રેમતણી છો વેલ !
ઓ ગુજરાત ! ઓ ગુજરાત !૧૪