પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૧૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાર-શાકુંતલ

રાજા— (ઉતરીને પોતાને જોઈ) સૂત ! આશ્રમમાં સાદે વેષે જવું (આવે વેષે નહિ) આ લે (આભરણ, ધનુષ્ય બાણ)

(આપેછે.)

સૂત— લેઉછું.

રાજા— સૂત ! હું આશ્રમવાસીનાં દર્શન લેઈ પાછો આવું તેટલે તું ઘેાડાની પીઠબીઠ ધોઈ સજરાખ.

(જાય છે.)

સૂત—આજ્ઞા.

રાજા— (ફરીને જોઈને) આજ દ્વાર છે આશ્રમનું, એમાંથી જાઉં. (પ્રવેશ કરીને શકુન થયા જેવું સૂચવે છે.)

શાંત સુઆશ્રમ છે ને ફરકે ભુજ ફળ હશે શું આ ઠાર;
અથવા હોનારાંને સર્વત્ર જ હોય છે વળી દ્વાર. ૧૨

(પડદામાં) આમ આમ પ્રિય સખિયો !

રાજા— (કાન દેઈ) જમણી કોરના વૃક્ષોની હારમાંથી કોઈ બોલતું સંભળાય છે ! હું ત્યાં જાઉં; (ફરીને જોઈ) તપસ્વીની કન્યાઓ પોતપોતાને જોગા નાના નાના ઘડા સાથે નાનાં નાનાં ઝાડને પાણી સિંચવા અહીંજ આવે છે. (નિહાળીને) આહાહા, કેવું મધુર દર્શન એઓનું !

અંતઃપુરને દુર્લભ વપુ આ આશ્રમતણાં જનનું છે જો,
ખરું વાટિકાલતાને તુચ્છ ગણિ ગુણે વનનિ લતાઓ તે. ૧૩

લો ઠીક, આ ઝાડની ઓથે રહી એઓ મને ન દેખે તેમ હું એઓને જોઉં શું કરે છે તે.

( સખીઓ સાથે શકુંતલા આવેછે. )

શકુંતલા— અહીં, અહીં આવો સખીઓ !

અનસૂયા— બેન શકુંતલા ! તાતકણ્વને તારા કર્ત્તા આશ્રમના ઝાડ વધારે વાલાં છે એમ મને લાગે છે કેમકે કુમળી મલ્લિકા જેવી તું તેને તેણે પાણી સિંચવાનું સોંપ્યું છે.

શકું૦— સખી અનસૂયા ! તાતે કહ્યુંછે માટેજ કરૂં છું એમ નથી, એ ઝાડો ઉપર મારો પણ ભાંડુ જેવો સ્નેહ છેજ.

(પાણી રેડતી રેડતી આગળ આવે છે.)


રજા—(સ્વગત - વિસ્મય પામી.) હે ! કણ્વઋષિની શકુંતલા તે આજ શું ? અવિચારી છે ભગવાન કણ્વ કે એને આશ્રમધર્મમાં યોજી છે–

ઋષિ ઇચ્છે વપુ પૃકૃતસુંદર તપ કરવા દૃઢ થાએ;
નીલકમળનાં પત્રની ધારે શમીલતા છેદાવે. ૧૪