પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાર-શાકુંતલ

પુરુવંશજ તૂંને તો યુક્ત એ કરવું ભજે;
ચક્રવર્ત્તી ગુણો સાથે પુત્ર એવો તું પામજે. ૧૦

બીજા શિષ્યો— (હાથ ઉંચા કરી) રાજા ! અવશ્ય તુને ચક્રવર્તી પુત્ર થાઓ.

રાજા— (અંજલિપૂઠે) બ્રાહ્મણોનું આશિષવચન મેં માથે ચડાવ્યું.

વૈખા૦— રાજા ! આ પેલો માલિનીને તીરે કણ્વ મહર્ષિનો આશ્રમ દેખાય છે ત્યાં, બીજાં કાર્યનો બાધ ન હોય તે જાવું ને અતિથિને યોગ્ય એવો સાત્કાર પામવો.

રાજા— મહર્ષિ આશ્રમમાં છે શું?

વૈખા૦— પુત્રી શકુંતલાને અતિથિના સાત્કારનું કહી એના દૈવમાં કેટલુંક બાધક છે તેની શાંતિને અર્થે અમણાંજ સોમતીર્થ ગયા ઋષિ.

રાજા— ઠીક,હું મળીશ એટલે તે, મહર્ષિને જણાવશે કે દર્શનને આવ્યો હતો.

વૈખા૦— ત્યારે અમે સમિધ આણવાને જઈયે છિયે. (બધા જાય છે.)

રાજા— સૂત ! ચાલ વેલા ઘોડા હાંક, પુણ્યાશ્રમને દર્શને પોતાને પવિત્ર કરિયે.

સૂત— આયુષ્યમન્ ! ( ઉતાવળે હાંકે છે. )

રાજા— ( ચારે પાસે જોતાં ) સૂત ! ચિન્હ ઉપરથીજ આ તપોવનની ભૂમિ છે એવું સ્પષ્ટ સમજાય છે; જો :

ઝાડતણી આ બખોલમાં પોપટના માળા, તેમાંથી તો નમાર કેરા કણ બહુ ગરતા; કે ઠામે છે પત્થર ચિકણા સૂચવતા હિંગોરા છૂંદ્યા તેલ કાઢવા તપસ્વિયોએ; મારગમાં પાણીનાં ટીપાં ને વળિ લીટા દેખાએ તે ઋષિજનકેરાં વલ્કલવસ્ત્રો જળાશયોમાં બોળેલાં નીગળતાં લીધાં તેનાં હોએ; પવન ચપળથી ખાબુચિયાનાં પાણીએ તો ઝાડમૂળિયાં ધોવાયાં છે; હોમેલે ઘીનો ધૂમાડે ધુમાડિયા રંગે પીળાં સૌ પત્ર ફૂલ ફળ; મોટાં હરણાં શબ્દ મનુષ્યના સુણી ન ભાગે વિશ્વાસે રહી એકગતીએ અહિં તહિં ફરતાં; ને બાળક તે દર્ભ કાપિને સ્વચ્છ કરેલી ઉપવન ભૂમિ તેમાં ચરતાં

હળવે હળવે;-

રમ્ય અતિ ધર્મક્ષેત્ર સોહે
ઊતરે શ્રમ મારો જોએ. ૧૧

સૂત— એ છે સર્વ. આયુષ્યમન્ !

રાજા— ( રથ થોડેક આગળ ચાલ્યા પછી) સૂત ! તપોવનવાસીને ઉ૫દ્રવ મા થાઓ; અહીંજ રથ રાખ, કે હું ઉતરું.

સુ— રાસ ખેંચી છે મેં, ઉતરવું આયુષ્મન્ !