પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
સાર-શાકુંતલ

ગયું ; પણ હવે આ સપાટ ભૂમિ પર તેને પકડી પાડતાં વાર નહિ લાગે.

રાજા— તો રાસ ઢીલી મૂકી દે.

સૂત— જેમ આજ્ઞા આયુષ્યમન્ ! જુઓ જુઓ-

દોરી ઢીલી મુકી કે તરત કરિ દિધી ડોકિ સીધીજ લાંબી,
કાનો ઊભા થએલા વળિ કલગિતણી ટોંચ ના કાંઈ કાંપી;
ના જાવાદે અગાડી નિજપદથિ ઉડી ધૂળને મોટિ હોડે,
સંખાતો વેગ જેથી નથિ હરિણતણો એહવા અશ્વ દોડે. ૭

રાજા—( હરખે ) ખરૂં ! આ ઘોડા તો સૂર્યના ઘોડાને પણ પાછળ પાડી દે તેવા છે, કેમકે

ઝિણું જોવામાં તે, સહજ બનિ મોટુંજ સબળૂં,
વચથી તટેલું, દિસતું સત સંજુક્ત સગળૂં;
છતૂં વાંકૂ તે તો, સરળ સિધું ભાસે વળિ કંઈ,
ક્ષણે આઘૂં છે કે, નિકટ રથ વેગે લહું નહીં. ૮

હે સૂત ! આ મૃગને મેં માર્યો જ જાણ (શસ્ત્રસંધાન કરે છે એટલે.) (પડદામાંથી) હાં, હાં, રાજા ! આશ્રમમાંનો મૃગ છે એ, ન મારવો, ન મારવો.

સૂત— (સાંભળી જોઈને) આયુષ્યમન્ ! આપના બાણની ને મૃગની વચ્ચે તપસ્વીએા આવી ઉભા છે !

રાજા— (ગભરાઈને) તો વેલો રાસને તાણી રાખ.

સૂત— આજ્ઞા આયુષ્યમન્ ! ( રથ રાખે છે કે કણ્વ ઋષિનો શિષ્ય વૈખાનસ એક બીજા સાથે આવેછે. )

વૈખાનસ—( હાથ ઉંચા કરી) હાં, હાં, રાજા ! આશ્રમમાંનો મૃગ છે, મારીશ મા, મારીશ મા.

નહિ નહિ કર એવો, આકરો બાણલાગ,
મૃગનિ કુમળિ કાયા, પુષ્પ ઊપેર આગ;
વળિ હરિણ તણૂં તે, ચંચળૂં જીવવું ક્યાં !
કઠિણ અતિશ તીખાં, બાણ તે વજ્રનાં કયાં ! ૯

માટે મૃગ ઉપર સંધાન કરેલું બાણ પાછું સંવર; તારૂં બાણ પીડિતના રક્ષણને અર્થ છે, નિરપરાધને મારવાને નથી.

રાજા— (નમસ્કાર કરી) આ પાછું લીધું ત્યારે (તેમ કરે છે.)

વૈખા૦—(હવે) તું પુરુકુલદી૫ક છે રાજા ! તુને એમજ કરવું ઘટે.