પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૩૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮
અંક ૪ થો.
સાર-શાકુંતલ


અન૦— (પ્રિયંવદાને ભેટી) ગમતું થયું મારૂં; પણ આજજ શકુંતલાને વળાવે છે તેથી ખેદભર્‌યો હરખ થાયછે.

પ્રિયં૦— સખી ! આપણું ગમે તે થાઓ પણ અમણાં તો એ બચારીને સ્વસ્થચિત્તની થવાદો.

અન૦— તો હવે આ આંબાની ડાળે ટાંગેલાં કાચલાંનાં સપુટમાં બકુલફુલમાળા રાખી મૂકી છે સુકાય નહિ માટે, તે તું તારા હાથમાં લે એટલે હું પણ એને અંગે લગાડવાને ગોરોચન, તીર્થમૃત્તિકા ને દૂર્વા એને વાટું છું.

પ્રિયં૦— તેમ કર. (અનસૂયા થોડેક દુર જાય છે ને પ્રિયંવદા બકુલમાળ લે છે )

( પડદામાં )

ગૌતમી ! શારંગરવ તથા શારદ્વતને બોલાવ કે એઓ શકુંતલાની સાથે જવાને સજ રહે.

પ્રિયં૦— (કાનદેઈ) અનસૂયા ! ઉતાવળ કર, હસ્તિનાપુર જનારા ઋષિયોને બોલાવે છે.

અન૦— (વાટેલું મજ્જન હાથમાં લેઈ) સખી, ચાલ જઈએ.

પ્રિયં૦— (જઈને) સૂર્યોદય અમણા થાયછે એટલામાં તો શકુંતલા ચોટલો વળાવી નાહી કરી બેઠી છે ને સ્વસ્તિવાચન કરનારી તાપસી સ્ત્રિયો હાથમાં નમારના દાણા રાખી આશીર્વાદ દે છે; આપણે પણ ત્યાંજ જઈએ.

( શકુંતલા તથા તાપસીઓ દેખા દે છે. )

શકું૦— ભગવતીઓ ! હું વંદન કરૂંછું.

તાપસી ૧— પુત્રિ ભર્તાનું બહુમાન સૂચવતો મહાદેવી એ શબ્દ તું પામ.

તાપસી ર— વત્સે ! વીરને જન્મ આપનારી થા.

તાપસી ૩— બેટા ! ભર્તાની બહુમાનીતી થા.

(ગૌતમી વિના બીજીઓ જાય છે.)


સખીઓ— (પાસે આવો) આ મજ્જન તુને મંગળ થાઓ.

શકું૦— (નિહાળી) આવો મારી સખીઓ ! પાસે બેસો.

સખીઓ— સખી ! સજ થા અમે મંગળ મજ્જન કરીએ.

શકું૦— હવે પછી સખીઓ મને સણગારે એ દુર્લભ થશે. (આંસુ ઢાળેછે)

સખીઓ— મંગળ ટાણે તારે રડવું ઉચિત નથી.

પ્રિયં૦— સખી ! આભરણને યોગ્ય એવાં રૂપને આશ્રમમાંથી સેજ મળેલાં એ વિશોભિત કરીએ છિયે.