પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૫૭

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૨
અંક ૭ મો
સાર-શાકુંતલ


અંક સાતમો.

(રથારૂઢ રાજા તથા માતલી આકાશમાર્ગે ઉતરી કશ્યપના આશ્રમમાં આવે છે.)

રાજા— માતલી ! ઇંદ્રનું કાર્ય કરી આપ્યું તો પણ તેણે જે મારો સત્કાર કીધો તે જોતાં હું ઉપયોગી પડ્યો નથી એમ પોતાને માનુછું.

માતલી— આયુષ્યમન્ ! ઉભય એમજ માનેછે.

રાજા— એમ મા બોલ, મારૂં વિસર્જન કરતી વેળા તેણે જે સત્કાર કર્‌યો તે મારા મનોરથ પહોંચી ન શકે તેવી ભૂમિનો હતેા. દેવતાની સમક્ષ અર્ધાસને બેસાડી

બેઠો કને અંતરમાં ઈછંત
જયંત તેને નિરખી હસંત
શચીપતીએ હરિચંદનાળી,
મંદારમાળા મુજ કંઠ ઘાલી. ૧૨૩

માતલી— આયુષમન્ ! ઈંદ્રનાં આપેલાં માનને તમે અયોગ્ય નથીજ.

રાજા— વેગે ઉતરિયે છિયે તેથી મનુષ્ય લોકનું દર્શન આહા કેવું અાશ્ચર્યકારક થાય છે !

ઊંચે આવત શૈલના શિખરથી પૃથ્વી નિચે ઊતરે,
વૃક્ષો પત્રથિ લીનતા નિજ તજે સ્કંધો ઉદે પામતે;
થાએ સ્પષ્ટ નદી વધે ઉદક જે પૂર્વ નહિ દીસતૂં.
જો કોઈ લહું ઊંચકી ભુવનને મારી કને આણતૂં ! ૧૨૪

માતલી— કેવી ઉદાર રમણીય પૃથ્વી !

રાજા— આ કીઓ ૫ર્વત ? પૂર્વપશ્ચિમ સમુદ્રનું સ્નાન કરતે, સુવર્ણ રસનો પ્રવાહ ચલાવતા, સંધ્યાના વાદળના પરીઘવાળો ને ઉપલો પ્રદેશ સપાટ દાખવતો.

માતલી— આયુષ્યમન્ ! એ તો હેમકુટ પર્વત જ્યાં કુબેરના ગણ અશ્વમુખ રહે છે; વળી એ તપસ્વીઓનું સિદ્ધિક્ષેત્ર પણ છે. જુઓ-

સ્વયંભૂને મરીચી ને એનો કશ્યપ જે વળી,
સુરાસુર ગુરુ: પોતે પત્ની સાથે તપે અહીં. ૧૨૫ .

રાજા— એ વંદનીય ક્ષેત્રનું અતિક્રમણ ન કરવું; હું પર્વતની પ્રદક્ષિણા કરી ભગવાન કશ્ય૫ના દર્શન કરવાની ઇચ્છા રાખું છું.

માતલી— ઊત્તમ છે.

(રથ નીચે ઉતારતાં હાથ લાંબો કરી દેખાડે છે.)