પૃષ્ઠ:Sar Shakuntal.pdf/૫૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૫૪
અંક ૭ મો
સાર-શાકુંતલ


તાપસી ૧— વત્સ ! એ સિંહબાળકને મૂકી દે, હું તને બીજું કંઈ આપું છું રમવાને.

બાળક— ક્યારે ? તે દે (હાથ લાંબા કરે છે)

રાજા— (હાથ જોઈ) શું ચક્રવર્તિનાં લક્ષણ પણ એણે ધર્‌યાં છે ?

તાપસી ૨— (૧ લીને) સુવ્રતે ! એ માત્ર બોલવાથી રમે તેવો નથી; તો મારી ઝુપડીમાં માર્કંડેય ઋષિના પુત્રનો વિચિત્ર રંગેલો મટોડાંનો મોર છે તે એને માટે લેઈ આવ.

તાપસી ૧— ઠીક. (જાય છે)

બાળક— અમણા હું આનીજ સાથે ખેલું છું. (તાપસીની સામું જોઈ હસે છે.)

૨ાજા— (સ્વગત)

કંઈ કંઈ દિસંતી દંતકળિયો વણ નિમિત હસવાં થકી,
ને કાલિ કાલિ બોલિ ના સમજાય તેવી તોતલી;
અંકે ચઢીને બેસવા બહુ તલપતા પુત જે લિયે,
થાએ મલિન વળિ અંગધૂળે ધન્ય તેને લેખિયે. ૧૩૦

તાપસી— એ મને ગણકારતો નથી (મોડું ફેરવી) અાટલામાં કોઈ ઋષિકુમાર છે કે ? (રાજાને જોઈ) ભદ્રમુખ ! અહીં આવ અને અાણે બાળકેસરીને બળે પકડી ધર્‌યો છે તેને છોડાવ.

રાજા— (બલકાનો પાસે જઈ) રે મહર્ષીપુત્ર !

તાપસી— ભદ્રમુખ ! એ ઋષિકુમાર નથી.

રાજા— આકાર પ્રમાણે ચેષ્ટા છે તો તે ઋષિપુત્ર નહિ હોય પણ આ સ્થાન જોઈ અમે એવો તર્ક કીધો. (પાસે જઈ બાળકને ઉંચકી ખોળામાં લેઈ સ્પર્શસુખનો અનુભવ લે છે.)

ગમે તેનો હોય પણ આ છોકરાનો સ્પર્શ મારાં ગાત્રને થતાંજ મને આવું સુખ થાય છે તો જેના થકી એ ઉત્પન્ન થયો છે તે ભાગ્યશાલીના ચિત્તને કેવી ટાડેક હશે ?

તાપસી— (બંનેને નિહાળી) અચરજ, અચરજ !

રાજા— અાર્ય ! કેમ વારૂ ?

તાપસી— આ બાળકની ને તમારી આકૃતિ સરખી છે એ જોઈ હું વિસ્મય પામું છું. તમે એાળખીતા નથી તો પણ તમારીજ ભણી તેની વૃત્તિ છે.

રાજા— (પંપાળી રમાડી) આર્યે ! એ ઋષિકુમાર નથી તો કોણ કુળ છે ? "

તાપસી— પૌરવ.