થતું હોય તેમ સુજવા લાગ્યું, અને તીવ્ર અસહ્ય મદનવેદનાએ આનંદ– અનુભવનો આભાસ ધરવા માંડ્યો. “અાહા ! ક્યા ખુબસુરતી ! એ મુખડા – એ ગુલાબકા જેસા ગાલ......યા અલ્લા ! અજબ તેરા ખેલ દેખા નહી જાતા હેં – ખલકનંદા ઉસકી પાસ બીસાદમે નહી. અા જા મેરી માશુક” – કરી વિષયકિંકર હાથ લાંબા કરવા ગયો, પલંગ પર ચ્હડવા ઈચ્છા કરી – પણ તાકાત માલમ ન પડી. વધારે વધારે જોઈ રહ્યો, વધારે તર્ક કરવા લાગ્યો, તેમ તેમ ઈચ્છાઓ-વૃત્તિયો–વધારે પ્રબળ થઈ મુખ લાચાર બની ગયું, મસ્તિકમાં–મગજમાં કામાસક્તિ પ્રસરી ગઈ, નયનમાં ઘેનના જેવો આભાસ થયો, પગ ધ્રુજવા લાગ્યા, અને નખથી શિખ સુધી આખું શરીર દ્રવવા લાગ્યું. એમ ઈચ્છા થઈ કે એક ફાળ ભરી-ફલંગ મારી–પલંગપર ચ્હડી બેસું. તેને રોકનાર કોઈ હતું નહી. પણ ઉંઘતી કિશોરીના મુખ પર પ્રતાપ તીવ્ર હતો. તેનું તેજ દુષ્ટથી ખમાયું નહીં - તે અગ્નિની પાસે જતાં હીમ્મત અટકી. અલકકિશોરીએ જાગૃતઅવસ્થામાં કોઈ વખત જમાલ ઉપર હુકમ બજાવ્યો હશે અને ચાલ્યે ન ચાલ્યે તેને તે પાળવો પડ્યો હશે.
“ ખુદા માલુમ ! ક્યા હોતા હે ! ઉસકી પાસ જાને કી હી મેરી મગદુર નહી !”
પારકા ઘરમાં–વસ્તી ભર્યા ઘરમાં-સુવર્ણપુરના અમાત્યના મ્હેલમાં એકલો આવ્યો હતો.
“અમાત્યકું માલુમ હોયગા ! મેરા કયા હોયગા ?”
ઉંઘમાં ને ઉંઘમાં અલકકિશોરીએ પાસું ફેરવ્યું અને તેનું મુખ બીજી પાસ ગયું. મીયાંનો ક્ષોભ મટ્યો. એકલી વિષયવાસના નિષ્કંટક રહી અને ખલકનંદાનો હુકમ મન અાગળ અાવવા પામ્યો. બૂટ કહાડી મુસલમાન પલગ પર ચ્હયો અને સુતેલીની સાથે સુતો, પણ સ્પર્શ કરતાં જરીક ખચકયો – સચેત થયો – અને દુષ્ટ હાથ - દુષ્ટ પગ – પવિત્ર શરીર પર પડ્યો.
ચકોર કિશોરી–બુદ્ધિધનની કિશોરી-શરીરને અગ્નિ અટક્યો હોય તેમ ચમકી–જાગી ઉઠી. જાગ્યા પ્હેલાં ચમકી-ચમકની સાથે સફાળી–સડફ લેઈ ઉઠી, દુષ્ટના કરચરણ તરછોડી નાંખ્યા, અને કુદકો મારી પલંગબ્હાર જઈ ઉભી. કીકી આમથી તેમ ખસી જાય – પોપચું મીંચાઈ ઉઘડે – એટલી વારમાં, પોતે પુરેપુરી જાગી તે પ્હેલાં, આટલો બધો બનાવ થઈ ગયો અને તેની ઉંઘ ઉડી ગઈ. કેડે છેડો ખોશી સજજ થઈ રોષ ભરી અાંખે જોતી આભા બનેલા નિશાચર ભણી ત્રાડીઃ ઘાંટો ફાટો થઈ ગયો,