લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૩૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૨૧

ના ઉપર જેટલું માન તેટલા માનનો આરોપ તેની નીતિ-અનીતિ ઉપર મુકવામાં આવે છે અને તેને જ ઉત્તમ ગણવામાં આવે છે, તેનું જ દૃષ્ટાંત લેવાય છે, તેનું જ અનુકરણ થાય છે; અને તેનાં જ પુણ્યપાપ આખા કુટુંબને તો શું પણ તેની સાથે સહવાસ કરનાર સર્વને વળગે છે. જો આમ ન હોય તો શઠરાય જેવા ઉગ્ર કારભારીની વ્હાલામાં વ્હાલી વહુદીકરી ઉપર એક હલકો ચાકર આટલું જોર શી રીતે કરી કરી શકે ? સ્વર્ગ અને નરક એ વાનાં ઈશ્વર આ જગતમાં જ દેખાડે છે તેનાં દૃષ્ટાંત બુદ્ધિધન અને શઠરાયના ઘરમાં પ્રત્યક્ષ જ છે, આ પ્રમાણે વિચાર કરતો કરતો નરભેરામ મેરુલા પાસેથી ઉઠ્યો.

એટલામાં સઉ એકઠા થયા. ચપોચપ જોડા પ્હેરવા મંડી ગયા અને સરઘસ ધીમે ધીમે ઝુલતું ઝુલતું દરબાર ભણી ચાલ્યું. નરભેરામે દુષ્ટ૨ાયને શોધી ક્‌હાડ્યો – એનો સંગાત કર્યો - સઉથી આગળ નીકળી આંગળીયે વળગી બે ગૃહસ્થો જેવા એકલા પડી ચાલ્યા. એક બે સીપાઈયો બારણું સાચવવા રહ્યા. રુપાળી બારીયે સઉને જતા જોતી ઉભી. દુષ્ટરાયે પાછાં ફરી તેના મ્હોં સામું જોયું ને મલકાયો; અને છાતી ક્‌હાડી મનમાં ફુલાયો. સઉ નજર બહાર થયા એટલે રુપાળી નીચે ઉતરી. મેરુલો નીચે બેઠો બેઠો કાંઈક કામ કરતો હતો તેના વાંસા ઉપર પડી. થોડી વારે અલકનંદા આવી. મેરુલાને આસપાસથી ગળે બાઝી બે જણી હીંચકા ખાવા લાગી. એ સ્થિતિ ન ક૯પતા શઠરાયનું સરઘસ બુદ્ધિધનનો વિનાશ કરવા દરબાર ભણી વાધતું હતું. પરવિનાશની નિઃસંશયતાની કલ્પના મનપાત્રમાં ઉકળતી ઉકળતી ઉભરાતી હતી અને તેના જો૨થી અહંકારનું ઢાંકણું તે પાત્ર પર ઘડી ઘડી ઉછળતું ખખડતું હતું.

નરભેરામઃ “કહો, ફોજદાર સાહેબ, આજ તો પૂરવેગમાં છો.”

દુષ્ટરાયઃ “હાસ્તો.”

"હવે જડસિંહના વખતમાં ચાલતું હતું એટલું ચાલવા માંડશે ?”

“એમાં કાંઈ વાંધો કે ? અરે જુવોને ! ”

“પણ દરબારને જ રંગમ્હોલ કરી મુકતા હતા તે કાંઈ થશે ?”

"એ પણ વખત આવશે.”

“કરોને આજ શ્રીગણેશાય નમઃ !”

"શી રીતે?"

"આજ તો નાચ હશે."

"તે?"