છે. એની પાસે સાબીતી માગી એટલે એ ફુલી જાય ને કંઈ કંઈ કુભાંડ કરે.” શરાઠરાયે કહ્યું.
“રાણાજી ! મ્હારી પ્રાર્થના સાંભળવી જોઈએ.”
રાણો જરીક બેઠો થઈ ધીમે રહી બોલ્યો: “શઠરાય, અમાત્ય ખરું ક્હે છે. મ્હાવાને ધમકાવ્યો તે મ્હેં જાણી જોઈને ધમકાવ્યો છે. નીચને ઉંચો ચ્હડાવવો નહી. પણ વાત મ્હારી પાસે ઘણે ઠેકાણેથી આવી. છે. હું એ વાત બીલકુલ માનતો નથી. પણ, બુદ્ધિધન, મનમાં ન લાવશો – હું એ માણસ છું. આજ નહી તો ભવિષ્યમાં મ્હારા મનમાં વ્હેમ ઉત્પન્ન થાય. અને તેમ થાય તો તે ખોટું. માટે તમારી ઈચ્છા પ્રમાણે થવું જેઈએ.”
“હા જી.” અમાત્ય ધારી ધારીને ૨ાણાસામું જોવા લાગ્યો.
“કામદાર, તમે , આ બાબત તપાસ કરવાનો બંદોબસ્ત કરો. એટલામાં હું અંતઃપુરમાં જઈ આવું છું. રાણીને પણ આ બાબતમાં કાંઈક ખબર છે ને મારે તેની તપાસ કરવી જોઈએ.”
શઠરાયની ખટપટનું ઉંડાણ જોઈ અમાત્ય અાભો ન બન્યો. પણ રાણી પર રાણાને વિશ્વાસ ઘણો હતો તેની એને ખબર હતી તેથી તેની બ્હીક સમીપ લાગી. રાણે ઉઠ્યો અને વેગથી અંતદ્વાર ભણી ચાલ્યો. દ્વાર ઊઘડતાં જ બંધુકના જેવો – કાંઈ તુટી પડ્યું હોય તેવો – કડાકો થયો. રાણો ખચક્યો, અને આશ્ચર્યં તથા ભયથી ઉંચુંનીચું જોવા લાગ્યો. “હાં, હાં, ખમાં ખમાં ” કરી શઠરાય અને અમાત્ય દોડી આવ્યા. રાણાના પગ ! તળેથી જમીન તુટી પડી, એક મ્હોટું ગાબડું પડ્યું, અને નીચે ધસતી માટીમાં રાણાનો પગ સર્યો. બુદ્ધિધને બાથ ભીંડી રાણાને પકડી રાખ્યો અને બે જણ પાછા ખસી નક્કર જમીન પર આવી ઉભા. બે ચાર પળમાં ચાર પાંચ કુટનો એક ખાડો થયો, અને, માટીને ઢગ બે પાસથી કોણાકારે પડી તેમાં સ્થિર થયો. મ્હેલની જમીનના સુંદર આરસ છુટા થઈ માટીમાં અર્ધા ડબાયા અને વ્હેંતીયાં માણસની દુનીયામાં ધરતીકંપથી આર્ધ ડુબેલાં ઘર જેવા લાગવા માંડ્યા. અંતર્દ્વારનો લાકડાનો ઉમ્મર પુલ પેઠે ખાડા પર રહ્યો. ખાડાની સામી બાજુએ અંદરથી માણસો ભરાયાં. રાણા ભણીની બાજુએ પણ બ્હારથી માણસો આવી ભરાયાં. ગભરામણ, શંકા, તર્ક, સૂચનાઓ, બુમાબુમ, અને એવાં એવાં મ્હોટાંન્હાનાં પંખીયોનાં ટોળેટોળાં સર્વનાં મુખતરુ પરથી ઉડી ખાડાપર ભમવા લાગ્યાં.
“દગો; દગો, કપટ, કપટ” કરી બુદ્ધિધને રાણાને ઝાલી રાખી બુમ પાડી. સમરસેન, વિજયસેન, પ્રમાદધન, જયમલ, નવીનચંદ્ર, અને