પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૭૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૫૪

તેમની સાથે આવેલું મંડળ અમાત્યની આસપાસ વીંટાઈ વળ્યું. બુદ્ધિધનની આંખના ઈસારાની વાટ જોતો નવીનચંદ્ર સામે ઉભો રહ્યો. સમરસેન અને વિજયસેન તરવારપર હાથ મુકી અમાત્ય અને રાણાની આસપાસ આવી ઉભા. ચોબદારો અને સીપાઈઓ ખડખડાટ ભડભડાટ કરતા દોડાદોડ કરવા લાગ્યા. બીલકુલ અજાણ્યો શઠરાય - આંખવતે દુષ્ટરાયને ખોળતો – દિઙ્‌મૂઢ બની ગયો અને 'શું છે શું છે' કરતો રાણાની આસનાવાસના કરવા લાગ્યો. કરવતરાય અને બીજા અમલદારો તેની પાછળ તરવરવા લાગ્યા.

“અરે જુવો છો શું ? કોઈ મહાનીચ રાજદ્રોહીનો આ પ્રપંચ છે ! મ્હારા મહારાણા, ઈશ્વર તુમ પર પ્રસન્ન ર્‌હો ! – વિજયસેન, વિજયસેન, જુવો છો શું ? બાંધો કેડ અને એકદમ તપાસ કરો, શું આ ? – પ્રિય રાણાજી, આપને કાંઈ ઈજા તો નથી થઈ ? – અરે કરો આઘો આ માટીનો ઢગ અને જુવો એની પાછળ અને નીચે; સાવધાન ર્‌હેજો, – હથીયા૨ સજ્જ રાખજો – અને કાંઈ દારુબારુનું તો તોફાન નથી – જુવો પણ માટી ગરે છે !” બુદ્ધિધન ગાંડા જેવો બની, આંખો ફાટી કરી દઈ ઘાંટો ફાટો કરી દઈ ચારેપાસ નજર ફેરવતો એક હાથે રાણાને ઝાલી બીજે હાથે વિજયસેનને ધક્કેલતો ચિત્રગર્જના કરવા લાગ્યો.

“શું, શું, બુદ્ધિધન, આટલા બ્હાવરા કેમ બની ગયા છો ? જખ મારે છે. છોડો મને – જુવો એ ખાડામાં અજવાળાં જેવું શું જણાય છે !” – કરી ભૂપસિંહ ખાડામાં ઉતરવા લાગ્યો.

“ના, મ્હારા રાણા, સુવર્ણપુરના સદ્દભાગ્યને એ જોખમમાં પડવાની જરી પણ જરુર નથી. આપ છેટે ઉભા રહો. અમે તપાસ કરનાર ઘણા છીયે. ચાલો, કામદાર” – કરી બુદ્ધિધન ખાડામાં ઉતર્યો ને પાછળ સઉ ઉતરવા લાગ્યા. શઠરાય ચિંતામાં પડી વિચાર કરવા ઉભો.

ભૂપસિંહને બુદ્ધિધનની રાજભક્તિ સાકાર થતી પ્રિયદર્શન લાગી. શઠરાયના ભણી શંકાસાથે જોવા લાગ્યો. વિજયસેન, સમરસેન, અને કેટલાક અમલદારો મજુર પેઠે કામ કરવા મંડી ગયા. માટી દૂર ખસેડી દીધી. તેની તળેની છત ભાંગી ગયાથી કડક થઈ આડાં પડેલાં પાટીયાંની એક બાજુએ થઈ સઉ અંદર ગયા. તે જમીનનીચે ગલી જેવું દેખાયું તેમાં નીચા વળી જુવે છે તો તેને મોખરે હાથમાં સળગાવેલું ફાનસ ધરી જમાલ અને પાછળ તરવાર લઈ રણજીત ઉભેલા દેખાયા ! પકડો, પકડો, ક્‌હાડો ક્‌હાડો !” એમ ભોંયરામાં બુમ પડી અને ઉપર ઉભેલા સૌએ જોસભર ઉપાડી લીધી. ચોબદારો અને સીપાઈઓએ તેમને પકડી ઘસડી ઉપર આણ્યા અને તેમના મ્હોં ઉપર અજવાળું પડતાં સઉ આશ્ચર્યંમાં પડ્યા,