બેઠો અને આસપાસનો બનાવ એને ચંચળ કરવા અશક્ત નીવડ્યો. જે કારભારીની પ્રપંચબુદ્ધિ આખા રજવાડામાં ઘણા અનુભવવાળી, શીઘ્ર, તીવ્ર, સર્વકાર્યગ્રાહી, રાણાએ અને ઠાકોરોને વશ કરનારી અને જયવંત ગણાતી હતી તે કારભારી વીર્યહીન અને ભાનવગરનો – બાળક જેવો – વૃદ્ધ જેવો - નપુંસક જેવો – થઈ શૂન્યમતિ બન્યો અને સાધનહીન જેવો ખોળામાં હાથ નાંખી એક ખુરસી પર બેઠો, એ નો એ શઠરાય - એનાં એ એનાં સાધન – સર્વ નિષ્યપ્રયોજન થયું લાગ્યું.
નવીનચંદ્ર – જે આ સર્વ તમાસો જોઈ રહ્યો હતો, જેને કારભારીની કળા જોવાનો લાભ મળ્યો હતો - તેને પણ જમાલને ખાડામાંથી નીકળતો જોઈ નવું ભાન આવ્યા જેવું થયું. નીરનીરાળી છુટી છુટી ઘણીક વાતો તે જાણતો હતો તે સર્વ જમાલને જોતાં સંધાઈ ગઈ. ખટપટનું પરિણામ કાંઈક કળી ગયો અને બુદ્ધિધને સોંપેલું કાર્ય પોતાને કરવા વખત નહી અાવે એટલું શુભ પરિણામ ચેતી ગયો. શઠરાયની ધારણાઓ તેને અમાત્યે જ કહી હતી. કેવી તે ધારણાઓ હતી અને કેવું તેનું પરિણામ નીકળશે તે વિચારતાં તે મનમાં બોલી ઉઠ્યો
અને પોતે આવી જાતનું બોલી ઉઠ્યો તે વિચિત્ર લાગ્યાથી હસ્યો. પાછલા દિવસે – અમાસે જ વનલીલા કુમુદસુંદરી પાસ રુકિમણીવિવાહમાંથી આ ગાતી હતી તે અત્યારે સાંભરી આવ્યું. કમુદસુંદરી સાંભરી. તેની જોડની મેડીમાં રહી અમાત્યના ઉજાગરાની પણ સાક્ષી સ્મરણશક્તિ પુરવા લાગી અને વિચાર કરવા લાગ્યો: “આહા ! આટલા ઉજાગરાથી આ ફળ મળવા વખત આવ્યો છે - શી વાત –શી બુદ્ધિ - પોતાના કુટુંબની ફજેતી ન જ થાય અને અપરાધી શિક્ષા પામે એ રસ્તો - બુદ્ધિધન – અા ઠીક શોધી ક્હાડ્યો ! વારું, જમાલ, ત્હેં આટલું ન કર્યું હત તો આ અનુભવ પ્રત્યક્ષ ન થાત ! – અને તેની સાથે એ જ બનાવમાંથી શઠરાયને નુકસાન કરવાનો પ્રસંગ આણ્યો ! ખોટામાંથી સારું પરિણામ આણવું – વિપત્તિને સંપત્તિનું સાધન કરી દેવું - વગર ભણેલા બુદ્ધિધન – તમે ક્યાં શીખ્યા? ગજબ છે !” આ વિચારનદી વ્હેતી વ્હેતી રાજખટપટના અવલોકનકાર્યમાં ભળી ગઇ.
જમાલ ને શુક્રાચાર્ય રણજીત બેનાપર મુક્કાબાજી કરવા રાજનિષ્ઠ તેમ જ ખુશામતીયો વર્ગ એક થઈ ગયો. રાણાએ તેમને અટકાવ્યા.