પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૭૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૬૦

લોહીવાળો પાટો બાંધી શ્વાસભર્યો દોડતો દોડતો આવ્યો, અને બુમ પાડતાં પાડતાં રાણાના પગ આગળ પડતું મુક્યું.

"જુલમ જુલમ, મહારાણા, આપના રાજ્યમાં જુલમ – મ્હારી વ્હારે કોઈ ધાવ રે – બાપજી !” કહી પોક મુકી. સીપાઈઓ તેની આસપાસ ભરાઈ તેને ઉઠાડવા લાગ્યા. દુષ્ટરાયની કૃપાના પાત્રની સીપાઈઓ આસનાવાસના કરવા લાગ્યા.

એટલામાં ખાડામાં પણ કાંઈ ગરબડાટ થયો, તેના ભણી સઉનું લક્ષ ગયું, અને થોડીવારમાં રઘી, નીચદાસ, અને ખોડાને સુરંગના મૂળ આગળથી હાંકતો હાંકતો સમરસેન પોતાના મંડળ સાથે આવ્યો.

સઉનાં લક્ષ્ય બહુપાસ ખેંચાયાં. ક૨વતરાયે પણ ભાગ્યનો ઓટ દીઠો. નરભેરામે કાનમાં કરેલી વાતથી તેનું અંત:કરણ નબળું પડ્યું હતું પણ પ્રસંગ સાચવવા તમાચો મારી ગાલ રાતો રાખવા પ્રયત્ન કરી જાણેલી વાત ઢાંકી રાણાસાથે દમભેર વાત કરી હતી. મેરુલાને જોઈ ઘરની બાબત ભય લાગ્યું, સમરસેનનો સાથ જોઈ બીજી પાસથી ભયદર્શન થયું.

દુષ્ટરાય એકલો ઘેર દેાડ્યો અને પ્હોંચ્યો તો ઓટલે સીપાઈઓ તડાકા મારતા હતા. તેમને વટાવી અંદર જાય છે તો બારણું બંધ. મેડીયે ચ્હડી ચોકમાં જોતાં તેની આંખ ફાટી. ચોકમાં રમનારાંયે મીયાંબીબીનો વેશ ક્‌હાડ્યો હતો. મેરુલો મીયાં બનેલો, રુપાળી અને ખલકનંદા બીબીયો બનેલી અને ભવાઈ ચાલી રહેલી. અગાશીમાં ખડખડાટ સાંભળી ખલકનંદા ચમકી અને સંતાઈ ગઈ. તરવાર લેઈ દુષ્ટરાય બીજે દાદરે થઈ ચોકમાં ગયો, અને આંખની શરમ વિના બીજી સર્વે મર્યાદાથી ભ્રષ્ટ થયલાંની આટલી રહેલી મર્યાદા પણ મુકાવી. દુષ્ટરાયને મત્સર ચ્હડયો અને મેરુલાપર તરવાર ખેંચી. મેરુલાને હાથે તરવાર વાગી, વાગતા સુધી શરમ રાખી, પણ વાગી એટલે શરમ તોડી ચાકર ધણીની સાથે દ્વન્દ્વયુદ્ધમાં પડ્યો અને દુષ્ટરાયની તરવાર ખેંચી લીધી. નિરાશ થયેલા દુષ્ટરાયે બુમ પાડી, ચોકનાં બારણાં ઉઘાડી દીધાં. સીપાઈયો અંદર આવ્યા, પણ તે આવતાં પહેલાં દુષ્ટરાયપર ઘા કરી પાછલે બારણેથી મેરુલો નાઠો. નાસતાં નાસતાં પોતે તરવાર સાથે પકડાય નહી માટે તરવાર રુપાળીના ભણી ફેંકી, “ઉગારજે કે મારજે” કરી, મંત્ર મુક્યો. તરવાર એક ખુણામાં પડી. દુષ્ટરાયને ઘા કારમો થયો અને જાતે નબળો હોવાથી જમીન પર પડ્યો. રૂપાળીચે બાજંદાવેડા કરવા માંડ્યા અને મ્હોં વાળવા તથા કુટવા લાગી. દુષ્ટરાયમાં બોલવાની તાકાત ન હતી. સીપાઈઓયે રૂપાળીને પકડવા વિચાર કર્યો પણ ઠીક