લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૧૯૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૧

જવા આવવાનો રસ્તો રાખવા પ્હોળું રહી મુખ સ્તબ્ધ થયું, નાજુક કળીયો જેવા દાંતનાં કિરણ હવામાં ચળકવા લાગ્યાં, હાથ પ્હોળા થઈ ગયા અને ખુરશીની આસપાસ લટકવા લાગ્યા, અને પગ પણ ખુરશી આગળ લંબાઈ ટકી રહ્યા. આ શબ જેવા શરીરમાં એકલું જીવતું દેખાતું કોમળ વક્ષઃસ્થળ ધડકતું હતું. લજજાળું મુગ્ધાનાં વસ્ત્રની કરચલીયોમાં ઢંકાઈ રહી જીવતા જગતની દ્રષ્ટિને નિત્ય નિષ્ફળ કરતું હતું તે કોમળ વક્ષ:સ્થળ આજ પ્રમાદધનના રંગભવનની જડદૃષ્ટિ આગળ બાળગજના કુંભસ્થળ જેવું - બીડાયલા શતપત્ર કમળની કળીયોની સુંદર જોડ જેવું - ઉપસી આવ્યું, તરી આવ્યું, અને અંતઃકરણના ઉછળતા શ્વાસને બળે કરુણ મંદ લીલાથી ઉત્કંપ અનુભવવા લાગ્યું. હૃદય ચીરી નાંખે એવી આ અવસ્થા જોનાર - સમજનાર આ પ્રસંગે – કુમુદસુંદરી ! ત્હારી પાસે કોઈ ન હતું. સરસ્વતીવાળા સાસરાના ઘરમાં તું એકલી જ હતી. મુર્ચ્છા પામેલા ઉજળા ગાલ ઉપર નિર્જીવ થયેલાં આંસુ સુકાઈ ગયાં અને માત્ર તેના ચળકતા સુકા શેરડા રહ્યા. એની આસનાવાસના કરનાર કોઈ ન હતું.

આણીપાસ નવીનચંદ્ર જાગી ઉઠ્યો હતો. પણ તે ન જાગ્યા જેવો હતો. તેની ઉંઘ ઉડી ગઈ ન હતી. જાગું છું કે ઉંધું છું તે વિચાર તેને થયો ન હતો. જાગતાં પહેલાં કિશોરીના સ્પર્શથી તે રમણીય સ્વરૂપમાં પડ્યો હતો. એવો સ્પર્શ જન્મ્યા પછી તેને પ્રથમ જ થયો હતો અને તે સ્પર્શે ઉત્પન્ન કરેલા સ્વપ્નને અંતે આંખ કાંઈક ઉઘડી તો પણ એક સ્વપ્ન પલટાઈ બીજું સ્વપ્ન અનુભવતો હોય એમ જ એને લાગ્યું. અર્ધું મીંચેલું અને અર્ધું ઉઘાડું, એવા પોપચા આગળથી અલકકિશોરી સ્વપ્નમાં આવી હોય એમ પળવાર વિકારભરી રમમાણ આંખે તેને જેઈ રહ્યો અને દૂષિત હાથ ખેંચી ન લેતાં નિમિષમાત્ર આનંદસમાધિમાં પડ્યો. એટલામાં સારંગીના રણકા સાથે ભળી જતું કુમુદસુંદરીનું મિષ્ટ-મધુર-ગાયન તેના કાનમાં ધીમે ધીમે આવવા લાગ્યું. કર્ણેન્દ્રિય આનંદ વ્યાપારમાં લીન થતાં સ્પર્શેન્દ્રિય બ્હેર મારી ગઈ અને ઉઘાડી આંખ વગરવીંચાયે મીંચાઈ. કુમુદસુંદરીના ગાયન સાથે ઉડાં ડુસકાં વચ્ચે વચ્ચે ભળતાં હતાં અને સુતેલાની નિદ્રાને વીજળીના સંચા પેઠે ધક્કા મારતાં હતાં – તેનાથી સ્પષ્ટ સમજાતાં હતાં - તેના હૃદયના હૃદયમાં પેંસતાં હતાં. કુમુદસુંદરીનું – દિવ્ય અપ્સરાના જેવું - ગાન પણ આજ તેણે પ્હેલવ્હેલું સાંભળ્યું અને તેથી તેની આનંદનિદ્રા મધુર મધુર થતી વધી. બ્હારથી જોનારને મન અલકકિશેરી અને નવીનચંદ્ર આમ એમનાં એમ ચિત્રવત્ સ્તબ્ધ ૨હી એક બીજાના સામું જોઈ રહેતાં લાગ્યાં અને ઉભય મદનાવસ્થ છે એવું મનમાં આણતાં વનલીલાને કાંઈ પણ શંકાસ્થાન ન રહ્યું.