લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૦૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૮૨

આખરે કુમુદસુંદરીના ગાનનું છેલું પદ આવ્યું – તેનો અર્થ સ્પષ્ટ હતો – તે પદ એક વાર ગવાયું - જરીક ફેર સાથે બીજી વાર ગવાયું – તેની સાથે સારંગીનું ગાન અચિંત્યું ક્રમવિરુદ્ધ બંધ પડ્યું. સારંગી પડી તેનો ધબાકો થયો, હાથમાંથી છુટતાં - પડતાં – તાર છુટતો હોય એમ અસંવાદી કઠોર રણકારો લંબાયો, તે રણકારામાં અચિંત્યા બંધ પડેલા ગાયનના અંત્યસ્વરનો પ્લુતોચ્ચાર ભળ્યો, અને તે સર્વેમાં ત્રુટતા મર્મસ્થાનથી તણાયેલું ડુશીયું સંભળાયું, અને એકદમ સારંગી અને કંઠ ઉભય બંધ પડયાં. તેની જ સાથે સ્વરૂપાવસ્થા નવીનચંદ્રનું હૃદય ચીરાયું, તે ખરેખરે જાગ્યો, જાગતાં જ કિશોરી સામું જોઈ રહ્યો, જોતામાં જ ધીમા બળથી હાથ ખેચી લીધો, અને એકદમ પણ ધીમે રહીને - દીન વદનથી પણ ઠપકા ભરી આંંખ કરી - લાચાર સ્વરથી પણ ઉગ્ર નરકમાંથી તારવા ઈચ્છતો હોય તેવો, મધુર નરમ વચન બોલ્યો :

“અલકબ્હેન, હું તો તમારો ભાઈ થાઉં હો !” એમ બોલી પવિત્ર દ્રષ્ટિથી તેના ભણી જોઈ રહ્યો.

અલકકિશોરી શરમાઈ જ ગઈ, નીચું જોયું, અને મનમાંથી ધરતી માતા પાસે માર્ગ માગ્યો, તેને ભાન આવ્યું. તપેલા વાસણપરથી પાણીનો છાંટો ઉડી જાય તેમ તેનો અપવિત્ર વિકાર એકદમ જતો રહ્યો. પણ શું કરવું તે તેને સુઝયું નહી – મુંઝાઈ – ગુંચવાઈ બેઠેલી ર્‌હી જમીન પર જોઈ ર્‌હી – આંખો મીંચ્યા જેવી કરી – જીભ કરડવા મંડી. "અરરરર ! આ શું થયું” એ વિચાર તેના આખા મગજમાં નિષ્કંટક એકલો રાજય ક૨વા લાગ્યો. સાપે કરડી હોય એમ તેના મગજમાં ઝાટકા નંખાવા લાગ્યા. વગર ઉચું જોયે – અંહીયાં ને અંહીયાં આપઘાત કરું – એ વિચાર તેના મનમાં અંતે તરી આવ્યો અને તે વિચાર પ્રમાણે વર્તવા તૈયાર થઈ. મનમાં બોલી – “હવે તો જીભ કરડીને મરું - કે શ્વાસ રુંધીને મરું – પણ આમ ને આમ જ.” એ વિચાર પ્રબળ થતાં જ તેના મનનો ગુંચવારો મટ્યો – છુટકારો પાસે આવ્યો હોય તેમ તેને લાગ્યું.

નવીનચંદ્ર તેની અમુઝણ સમજ્યો, અને દીલાસો આપી બોલ્યો : "બ્હેન, અમુઝાશો નહી. એક ભુલ તો બ્રહ્માએયે કરી છે. ફરી ભુલ ન કરશો. તમારું અંતઃકરણ પવિત્ર છે તે હું જાણું છું. હું નાદાન નથી. થયું તે ન થયું થનાર નથી. ગઈ ગુજરી વિસારી દો. તમારો ધર્મ અંતે સચવાયો તે ઈશ્વરનો ઉપકાર માનો.”

અલકકિશોરીયે ઉત્તર ન વાળ્યો – ઉંચું પણ ન જોયું. બનેલ બનાવથી એનું અંતઃકરણ ભરાઈ આવ્યું.