“આહા ! ક્રૂર કવિ ! શું ત્હારા વચનમાં જેટલી ક્રૂરતા છે તેટલું જ
સત્ય છે ? અરે ક્રૂર કવિ ! શું, શક્તિ કરતાં વૃત્તિ વધારે બળવાન છે એ
ક્રૂર વચન ખરું પણ છે ? શું આ કવિની પેઠે ઈન્દ્રિયો પણ પુરુષની
પુરુષતાપર - માનવીની છાતીપર - માનવીના મસ્તિકપર –પગ મુકી
લાતોનો પ્રહાર કરી તિરસ્કારભરેલું હાસ્ય કરી વિજયતાંડવને નાચ
કરી મુકે છે ? શું જ્ઞાન કરતાં મોહ બળવાન છે ? શું શરીરપર પણ
બુદ્ધિનું ન ચાલે ? અરેરે !” ચાલતાં ચાલતાં નવીનચંદ્રે ઉંડો નિ:શ્વાસ
મુક્યો. તેની અાંખમાંથી આંસુની ધારા ચાલી રહી અને સૂર્યના તાપથી
તે સુકાઈ જતાં માત્ર તેના ડાઘ રહ્યા.
વિચારમાં ને વિચારમાં જુગ વીતી ગયો લાગવા છતાં અર્ધો રસ્તો પણ કપાયો ન હતો. એવામાં રસ્તાના બે ફાંટા આવ્યા. જેણી પાસથી પોતે આવ્યો તે રસ્તે ચાલવા માંડ્યું. પાછળ ચાલનાર ૨ામસેને તેને અટકાવ્યો.
“ભાઈ, આ બીજે રસ્તે ચાલો – આ ગલીમાં થઈને.”
વિચારમાળાનો મણકો પડી ગયો અને નવીનચંદ્રે પુછ્યું : “કેમ, રામસેન, આપણે આવ્યા હતા તો આ રસ્તે ?”
“ભાઈ પણ આ રસ્તો ટુંકો છે.”
"એમ, ચાલો ત્યારે.”
વિચારમાળા પાછી હાથમાં લીધી.
“લગ્નનો સંબંધ શરીરવાસ્તે જ હોય ત્યારે તો પ્રમાદધનથી કુમુદસુંદરીને સંપૂર્ણ સંતોષ મળવો જોઈએ, સરસ્વતીચંદ્રનું ભૂત એના મગજમાં ન હોવું જેઈએ. લગ્ન અને શરીરસંબંધ એક હોય તો જયાંસુધી કુમુદસુંદરીના મગજમાંથી આ ભૂત ખસ્યું નથી ત્યાંસુધી એના પતિવ્રતમાં ખામી છે–”
વિચાર આટલે સુધી જ આવ્યો એટલામાં અટક્યો – ગલીમાં પેંસતાં જ એક ન્હાનું પણ સુંદર ઘર આવ્યું. તેની મેડીની બારીયો ઉઘાડી હતી તેમાંથી હાંડી તકતા દેખાતાં હતાં. નીચે ઓટલા ઉપર ફુલ તથા રોપાનાં કુંડાં મુક્યાં હતાં. બારણું ઉઘાડું હતું અને તેની જાળી વાસેલી હતી. તે જાળી ઉપર નાજુક હાથ મુકી પંદરસોળ વર્ષની રંગે ગોરી અને રૂપે દેખાવડી ગણિકા પદ્મા ઉભી હતી. નવીનચંદ્રને જોઈ તેણે જાળી ઉઘાડી, પણ વિચારની ધુનમાં ચાલતા નવીનચંદ્રે તેના ભણી નજર ન કરી, અને એ પણ એને જોઈ ખશીયાણી પડી ગઈ અને પાછી જાળી અડકાવી.
“ભાઈ જરા ઉભા ર્હો કે ચાલતા થાઓ, હું આવું છું” કહી