લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૨૩

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૦૫

વચન માનવાપર હતું. પણ દેવીનું વચન લોપવું એ વાત થઈ શકે એવી ન હતી,

“કુમુદવહુ ! આ છોકરી અત્યારે મ્હારું કહ્યું નહી માને જરા તમે કોઈ સમજાવોને એને:” વહુની સમજાવવાની શક્તિ સમજનારી બોલી – મા દીકરીની કળ જાણી ગઈ હતી.

નણંદના ખભા ઉપર પાછળથી હાથ મુકી ભોજાઈ ઉભી રહી.

“અલકબ્હેન, જવા દ્યોને એને હવે ! મરેલાને તે શું મારવાં !”

“તમે યે દેવીના કહ્યામાં હશો !” કાંઈક ધીરો ઉત્તર આપવાનો અવકાશ કિશોરીને મળ્યો.

“હાસ્તો. દેવી કાંઈ ખોટું ક્‌હે છે ?”

“પણ સવારે દયાશંકરકાકાની વાતો તમે સાંભળી છે ?”

“હા, પણ એમાં તો ખોટું લાગે તો દેવીને લાગે !”

“ના, એને તો ન લાગે. એ તો એવી છે કે એને કોઈ મારી નાંખે તો તેને જ એ ક્‌હેશે કે જીવ ! ”

"પણ તમારે શું – તમને શી બાબત ખોટું લાગે છે ?”

"કેમ ન લાગે ! મને જે કર્યું છે તે તો હું ભુલી જાઉં છું લ્યો ! પણ એને કરેલું કેમ ભુલી જાઉં ? એ તો મ્હારી મા હોં–” અલકકિશોરી ક્‌હેતી ક્‌હેતી અટકી કે “ તમારી સાસુ પણ મ્હારી તો મા.” કુમુદસુંદરી એ સમજી પણ ખોટું ન લગાડ્યું અને બોલી.

“હા, તેની હું ના ક્યાં કહું છું જે ? ખોટું તો તમને યે લાગે ને મને યે લાગે. પણ, બ્હેન, દેવી ક્‌હે છે તે ઠીક ક્‌હે છે – તે પ્રમાણે કરો. એથી તમારું ધાર્યું થશે. આઘાં આવો. મ્હારું કહ્યું કરો – પછી ખરી વાત સમજાવીશ.” તેલ પડવાથી સમુદ્ર શાંત થાય તેમ ઉન્મત્ત અલકકિશોરી નરમ પડી એને બડબડતી બડબડતી બોલીઃ “વારું, બ્હેન, વારું. રામસેન, ત્યારે દેવી ક્‌હે છે તેમ કર. વારું, પણ, ભાભી, ભુલ કરો છો, હાં ! આને રાંડને શી ખબર પડશે કે આમ કરીયે તો આમ થાય ? ”

ખલકનંદાપર પગ મુકનાર આઘો ખસ્યો. રામસેન અને અમાત્યના બીજા સીપાઈઓ કુલટાની અાસપાસ ફરી વળી કોટ રચી ઉભા અને એ ઉઠી ઉભી થઈ

"ક્‌હે દેવી. હવે આનું શું કરવું છે? મને રજા આપો તો પિતાજીને પુછી એને ગરદન મરાવું.”