પોતાના પતિનું જ નામ સાંભળી અમૃતસરોવરમાં ન્હાતી હોય તેમ દેવી આનંદપ્રફુલ્લ બની. આજ ઘેર આવશે ત્યારે કારભારી બનેલા સ્વામીનાથના મ્હોંપર કેટલી મ્હોટપ અાવશે – તે કેવા દેખાશે – મ્હારી સાથે તો હતા એવાને એવા જ ર્હેશે – એવા એવા વિચારોથી એની સ્નિગ્ધભીની આંખ આતુર બની ઉઘાડા આઘા દ્વારમાં જ ઠરી. મેઘના એકઠા કરેલા મોર પ્રફુલ્લ વૃક્ષ પર બેસી નાચે અને ટીકા કરે તેમ સંપત્તિના વર્ષાદે એકઠા કરેલા અમલદારો જયારે બુદ્ધિધનની મેડીમાં ખુશામત ભરેલા ગપાટા મારતા હતા ત્યારે તેના દુઃખના દિવસમાં ઠેઠ સુધી સહચારિણી થયેલી રંક અવસ્થાની ભાગીયણ પણ એકાંતમાં એકલી પતિના સુખથી અતુલ સુખી બનતી હતી– સૌભાગ્યદેવી પતિના સંપૂર્ણ સૌભાગ્યચંદ્રની ચંદ્રિકામાં રસભેર ન્હાતી હતી.
ઘડી બેઘડી એમ થઈ એટલામાં બુદ્ધિધન દ્વારમાં આવ્યો; શોધમાં ફરતી તેની આંખે દેવીની આંખ શોધી ક્હાડી, તેની સાથે તારામૈત્રક રચ્યું, વિકાસ પામી શુભ વર્ત્તમાન સૂચવ્યા, અને એ સંગીતને તાલ દેવા ઓઠ પર સ્મિત ચમકવા લાગ્યું. પાછળ આવનાર પરિવાર સાથે તે ઉપર ચ્હડયો અને પ્રફુલ્લ અને પ્રસન્ન બનેલી સૌભાગ્યદેવી ભોજનખંડભણી ચાલી, ત્યાં તેની પુત્રી પાટપર કચેરી ભરી બેઠી હતી. એ કચેરીમાં આજ રોજના કરતાં વધારે સ્ત્રીયો ભરાઈ હતી અને અલકકિશોરીની ધમક, તડાકા, અને દોર કાંઈક જુદાં જ હતાં. એ કચેરીમાં કુમુદસુંદરી ન હતી.
"भभुत लगायो ! अलक जगायो ! खलक कीयो सब खारो वे !!!"
દીવાનખાનામાં પુરુષો ભરાવા માંડતાં સ્ત્રીવર્ગ નીચે ઉતરી પડ્યો તે વખતે કુમુદસુંદરી એકલી પોતાની મેડીમાં ગઈ હાથમાં આવેલો નવીનચંદ્રવાળો કાગળ કોનો છે તે જેવા મંડી ગઈ, અને પોતાની પાસે એક બીજો કાગળ હતો તે વચ્ચે વચ્ચે જોવા લાગી. આ બીજો કાગળ આજ જ આવ્યો હતો. તે એની ન્હાની બ્હેન કુમુદસુંદરીને લખેલો હતો. એના કાગળમાં સરસ્વતીચંદ્રની હકીકત હતી તેથી ટપાલમાં ન મોકલતાં સારી સોબતમાં વનલીલાઉપર બીડ્યો હતો અને સૂચના ક્હાવી હતી કે કુમુદ-