લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૫૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૩૨

ઘડીક થતો હોય તેમ થયું. છવિ ઉપર સ્નિગ્ધ દ્રષ્ટિ નાંખતો નાંખતો પુરુષ ઘડીક ગુમાનને ભુલી ઉઠ્યો, ખંડ બ્હાર આવ્યો, પોતાના ખંડમાં ગયો, ત્યાં ગુમાન બેઠી હતી તેને જોઈ વિચારમાં પડ્યો, અને રામચંદ્રને યુવરાજ કરવાનો સમારંભ આરંભી કૌશલ્યાના મ્હેલમાંથી કૈકેયીનાં વચન સાંભળવા આવનાર બીચારા દશરથના જેવો ગુમાનને ખભે હાથ મુકી ઉભો. પળવારનું નિર્મળ સ્વપ્ન ભયંકર સત્ત્વની દૃષ્ટિએ પળવારમાં ભુલાવી દીધું.

"જઈ આવ્યા ! શું કામ હતું ?” આ પ્રશ્નથી આરંભી ધીમે ધીમે ગુમાને સર્વ વાત તથા સુવૃત્તિ પતિના ઉરમાંથી ક્‌હાડી લીધી અને તેની ખાતરી કરી કે આ સર્વ કામ સરસ્વતીચંદ્રનું છે. ઈંગ્રેજી વિદ્યાની કપટશક્તિ દૃષ્ટાંતથી સિદ્ધ કરી આપી. ધનનંદનને થયેલા અન્યાય પેટે તેને કાંઈ બદલો વાળી આપવો શેઠને આવશ્યક લાગ્યો. “મને પુત્રે છેતર્યો” એવું વ્યલીક પિતાના મનમાં વશી ગયું, ચ્હોંટી ગયું. સ્નેહની અમીને ઠેકાણે વિષવૃક્ષનું બીજ પડ્યું. આવનાર કન્યાના મસ્તક ઉપર શંકા ભમવા લાગી –“આવા નિર્મલ પુત્રને આવું ક્યાંથી સુઝે ? – ગમે તો કન્યા કે ગમે તે કન્યાના ખટપટી બાપનું એ કામ !” સહી કરતાં શું તો કરી આપી પણ પાછળ પસ્તાવો થયો.

સરસ્વતીચંદ્રના કારભાર ઉપર હવે પિતાએ ઈર્ષ્યા અને અવિશ્વાસની ચોકી મુકવા માંડી. પુત્રના દરેક કામનું પૃથક્કરણ થવા લાગ્યું, કસોટીના કાળા પત્થર ઉપર ઉજળા સોનાના લીસોટા ઉપર લીસોટા થવા માંડ્યા અને દરેક લીસોટામાં સોનું છતાં પિત્તળ જ અપદૃષ્ટિને લાગવા માંડ્યું, જુના અને નવા મતનાં મગજો વચ્ચે ઘણાક મતભેદ થતા; નિ:શંક અને નિર્દોષ પુત્ર એમ જ ધારતો કે હજી પ્રથમની પેઠે જ તકરાર કરી મ્હારું મત ખરું દર્શાવી આપવાનો અધિકાર (હક) મને અપાય છે: શેઠ એ સર્વે ક્રિયાનું સૂક્ષ્મ અવલોકન કરવા લાગ્યા, વૃત્તિયે અનુરંગી વસ્તુ દેખાડી, અને “પુત્ર પોતાના હાથ ઉપર રાખવા – મને ડાબી નાંખવા – સર્વ હાથમાં લેવા -યત્ન કરે છે” એ આભાસ ભૂતપેઠે વહેમાયલા મગજમાં ભરાઈ ગયો !

ખરી ખાતરી કરવાનો ઉપાય શેઠે શોધી ક્‌હાડ્યો. ગુમાનનો ભાઈ ધૂર્તલાલ બ્હેનના અંતઃકરણની કુંચી ફેરવતો. શેઠના ઘરમાં પગપેંસારો કરવાનો તેને લાગ મળતો ન હતો. હવે સમય જોઈ તેણે સમય-સૂચકતા વાપરી, કાંટાપરનું માંસ માંસલ માછલાના મ્હોમાં પેંસતું જોઈ માછીએ જાળ ખેંચી, સાળાના હાથમાં બનેવી આવ્યો. ભાઈ એ બ્હેનની જીભ ઉપર પોતાની શક્તિ મુકી. “પુત્ર ઉપર ઘણોએ વિશ્વાસ રાખ્યો હતો-પણ આનું