વેડફી માર્યા જાણી ખેદ થયો બતાવ્યો, આવા ઉડાઉ પુત્રના ભવિષ્ય બાબત ચિંતા કરી, અને અંતે ગુમાનને લોન લેવરાવી પોતે શેર લીધા અને વિશ્વાસના બદલામાં ઉંધી સલાહ આપી તે સારું તિરસ્કાર પણ દેખાડ્યો, “ડોશીવાળા લેખમાં મ્હેં તો મ્હારાપણા ઉપર જઈ સહી કરી આપી પણ ત્હારે એ લેખ અામ કરાવી લેવો ઘટતો ન હતો” તે વાત ફુલાશા મારી કહી બતાવી. “ધૂર્તલાલની બાબતમાં તું તો ના ક્હેવા ગયો પણ ચાલ્યું નહી એટલે શું કરે.” એ પણ કહ્યું. “તું ભણ્યો પણ ગણ્યો નહીં,” “ આજ તો કાંઈ પણ મ્હારી ગરજ ત્હારે હોવી જોઈએ,” “ ઇંગ્રેજી ભણી માથું ફેરવી બેઠાથી પૈસો ન મળે,” “એમ ન જાણવું કે કાયદો જાણ્યો એટલે બાપ પણ 'જી ! લબ્બે !' કરશે:” ઈત્યાદિ કંઈકંઈ અસહ્ય વચન કહી બતાવ્યાં, સોંપેલા વ્યાપારકાર્યમાં કંઈ કંઈ ભુલો ક્હાડી; અને બુદ્ધિમાં, અનુભવમાં, અાવડમાં, વ્યવહારમાં, સારાંશમાં પિતૃભક્તિમાં અને એવી કંઈ કંઈ બાબતોમાં પુત્ર પછાત છે તેને વીશે લાંબું બળવાન ભાષણ કર્યું.
સરસ્વતીચંદ્ર શેઠે ક્હેલી ઘણીક બાબતોનો મર્મ ન સમજ્યો, ઘણી બાબતો નવાઈ ભરેલી લાગી, ગુમાનનો પ્રતાપ પૂર્ણ કળી ગયો, પોતાની સ્થિતિ જોઈ લીધી, પિતાની અપ્રીતિનો પૂર્ણ આવિર્ભાવ અનુભવ્યો, અન્યાયની હદ જોઈ મૂર્ખતાનું શિખર નજરે પડ્યું, ઉત્તર વાળવો પુત્રધર્મ વિરુદ્ધ જણાયો, શબ્દ પણ બોલવો નિષ્ફળ લાગ્યો, અને પોતાની મનોવૃત્તિ દેખાડવી એ પોતાના પદના ત્યાગ જેવું ધારી નીચું જ જોઈ રહ્યો, મ્હોંને બંધ જ રાખ્યું, પિતાની મૂર્ખતા ઉપર વિચાર પણ ન કર્યો, અને માત્ર “હવે મ્હારે શું કર્ત્તવ્ય” તેના સંકલ્પવિકલ્પની સૄષ્ટિમાં ડુબી ગયો. અા સમાધિમાં શેઠના શબ્દ નીકળવા છતાં તેના કાનની બ્હાર ઉભા. તેના ગાલ ઉપર શેરડા પડ્યા, કપાળપર પરસેવો વળ્યો, બંડી ભીંની થઈ ગઈ શરીરે પળે પળે રોમાંચ અને કંપ અનુભવ્યો, અાંખો મીંચાયા જેવી થઈ ગઈ મન ખેદમય બન્યું, મસ્તિક ગુંચવારામાં પડ્યું, પેટમાં અાંકડી અાવી, અાંકડી ગણકારી નહી, અને સર્વને અંતે અાંખની કીકી અને પોપચું તે બેની વચ્ચે પાણી ભરાયું, તેમાંથી એક ટીપું પડ્યું, અને તે કોઈએ દીઠું નહી. શેઠની જીભ આખરે થાકી પોતાની મેળે જ બંધ પડી, અને એટલામાં “અાફીસ” અાવતાં શેઠ ભભકાભેર શિક્ષા કરનાર ન્યાયાધીશની ઢબથી ઉતર્યા, અને તરત જ ઉંઘમાંથી જાગ્યો હોય એવો પુત્ર ધીમે રહી ઉતરી પાછળ ગયો. આજ એ કોઈનો ન હતો. તેનું માથું ફરી ગયું.
અાફીસમાં જઈ તરત ચીઠ્ઠી લખી ઘૂર્તલાલને બોલાવ્યો. અાખો દિવસ તેને અાફીસની હકીકતથી વિદિત કરવામાં ગાળ્યો. દિવસને અંતે