લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૬૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૪૪


સરસ્વતીચંદ્ર હસ્યો: “ જા, જા, બહુ વ્હેમી ન થવું. મન જ નિરંકુશ થશે તો અંહી રહી તું શું સાચવશે ? જો પેટી સંભાળજે હોં !"

"તમે સાહસિક છો તે ચિંતા.”

"જા. જા, હવે.”

"પણ જોજે હોં !”

“ઠીક, મને પ્રાત:કાળે તેડવા ગાડી મોકલજો.”

ગાડીમાં બેસી પેટી લેઈ ચંદ્રકાંત ગયો, પેટીવીશે પ્રાત:કાળે સૂચના થવાની છે જાણી તે નિર્ભય બન્યો. પ્રાતઃકાળ થયો. સાત વાગ્યા, અાઠ વાગ્યા, પણ ગાડી આવી નહીં. તેના પેટમાં ફાળ પડી. ભાડે ગાડી કરી બંગલે ગયો. બંગલે માળી વિના કોઈ મળે નહી. માળી કહે, “ભાઈ ગાડીમાં બેસી ચોપાટીપર મળસ્કાના ફરવા ગયા છે.” ચંદ્રકાંતે ચોપાટી પર ગાડી દોડાવી. મુંબાઈના નાગરિકોનું ચોપાટી એ પ્રિય સ્થાન છે. અર્ધે સુધી સમુદ્રતટ અને તેની જોડે બાંધેલો રસ્તો છે. અાગળ ચાલતાં “રેલવે” ની સડકનું “ક્રોસિંગ” અાવે છે તે ઓળગતાં “ચર્નીરોડ” સ્ટેશન છે. સ૨સ્વતીચંદ્રની ગાડી ચંદ્રકાંતને સમુદ્રતટપર ઉભેલી મળી. ગાડીવાન ક્‌હે “ભાઈ અાગળ પગે ફરવા ગયા છે. પણ ક્યારના પાછા ફર્યા નથી. મને આ ચીઠી અાપી છે ને કહી ગયા છે કે ત્‍હારી પાસે રાખી મુક, ઘેર જઈ ચંદ્રકાંતને આપવાની છે.”

ચંદ્રકાંતનો જીવ ઉડી ગયો. ચીઠી લેઈ વાંચી.

“ પ્રિય ચંદ્રકાંત !

તું મને શાંત કરીને રાત્રે ગયો હતો. હું શાંત થયો હતો જ. ૫ણ અાખી રાત મ્હેં વાડીમાં ફર્યા કર્યું છે. ઘણા વિચાર કર્યા આખર મ્હારો વિચાર ખરો લાગ્યો અને તે પ્રમાણે કરું છું.

“ત્‍હારી પાસે પેટી છે તે ત્હારી પાસે રાખજે. તેમાંના સામાનની યોગ્ય વ્યવસ્થા કરજે. મ્હારે તેનો સંબંધ નથી. પિતાજીને મળજે – સાથેનો પત્ર તેમને આપજે અને યોગ્ય લાગે તે તેમને ક્‌હેજે – તેમને દુઃખ થવા દેઈશ નહી.”

"મ્હારા વિયોગનો શોક કરીશ નહીં. મૃત્યુ પાછળના અંધકારમાં એકલાં પ્રવાસ કરવા પ્રાણીમાત્ર નિર્માયલાં છે. મૃત્યુ પ્‍હેલાં જ અંધકારમાં ફરવું એ મૃત્યુને માટે સજ્જ થવા જેવું છે. માયાનો જુઠો પ્રકાશ મુકી અાવા નિમિત્તે હું આ અંધકાર શોધું છું તે રજ પણ શોચનીય નથી.”

“હું તને નહી ભુલું. પ્રસંગે ફરી પ્રત્યક્ષ કે પરોક્ષ રહી જણાઈશ. હું તને છોડું, પણ હૃદય કેમ છોડશે ?”