પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૭૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
ર૫ર

બારણા ઉપર અથડાઈ પડી ગઈ. “ હાં હાં,” કરતો ધૂર્તલાલ અને બીજાં માણસો અંદર આવ્યાં.

હાથથી વાત ગઈ જાણી ભાઈબહેન શેઠની વૃત્તિને અનુકૂળ થઈ ગયાં અને સરસ્વતીચંદ્રની શોધ બાબત શેઠની સર્વ આજ્ઞાઓ દેખીતી પળાવા લાગી. પવનના ઝપાટા અાગળ નમી જઈ ઝપાટો પાછી વળતાં ઉભું થતા ઘાસની વૃત્તિ સર્વેએ અનુસરી. તરત સઉ શેઠને વશ થઈ ગયા. દિવસ જવા માંડયા, માણસો ઉપર માણસો શોધમાં રોકવા છતાં અને દ્રવ્યનો વ્યય નિરંકુશ થવા છતાં પત્તો ન લાગ્યો, અને એવી રીતનાં ઘણાં કારણોથી શેઠ હળવે હળવે શાંત થયા અને ગુમાન નિર્ભય બનવા લાગી. શેઠ જે માણસોને મોકલતા તેમને દ્રવ્ય અાપી, લાલચ આપી, સમજાવી, છેતરી, શેઠની ઈચ્છાનો અમલ કરવામાં શિથિળ કરી દેતી અને શેઠને કાને એમ જ જતું કે અદ્દભુત શોધ નિષ્ફળ જાય છે.

ચંદ્રકાંતે પણ શોધ કરવામાં બાકી રાખી નહી. પોતાનો ઉભરો નરમ પડતાં શેઠપર દયા આવી; પણ તેના ઘરનો તાલ જોઈ પોતાની શોધ ઉપર અાધાર રાખ્યો.

એક દિવસ “ ધિ બૉમ્બે લાઈટ ” વાળા બુલ્વરસાહેબની ચીઠી ચંદ્રકાંત ઉપર અાવી. તે તરત સાહેબપાસે ગયો. એ પત્રના તંત્રી ઉપર પરદેશીના પત્રો આવતા તેમાં એક પત્ર સરસ્વતીચંદ્રના અક્ષરનો હતો. બુલ્વરેસાહેબે એ અક્ષર ચંદ્રકાંતને બતાવ્યા. ચંદ્રકાંતે અક્ષર ઓળખ્યા, ભાષા ઓળખી, વિચાર ઓળખ્યા, અને તેના હર્ષનો પાર રહ્યો નહી. પત્ર ઉપરના પરબીડીયા પર ટપાલની છાપ હતી. છાપમાં "સુવર્ણપુર” હતું. આ શોધ ગુપ્ત રાખવાનો સાહેબ સાથે મંત્ર કરી, ચંદ્રકાંતે સુવર્ણપુર જવાનો વિચાર કર્યો. સુવર્ણપુરના અમાત્યને અને વિદ્યાચતુરને સંબંધ હતો એટલે અમાત્ય ઉપર ભલામણ લેવા પ્રથમ રત્નપુરી જવાનું ઠરાવ્યું. ઉત્સાહના વેગમાં અાંખ મીંચાઈ બંધ થાય એટલી વારમાં ૨ત્નપુરી પહોંચ્યા જેવું લાગ્યું.

વિદ્યાચતુર અને ગુણસુંદરી બન્ને જણે સરસ્વતીચંદ્રના મિત્રનો ઘણો સત્કાર કર્યો; સરસ્વતીચંદ્ર બાબત ઘણી જિજ્ઞાસા અને ઘણો ખેદ બતાવ્યો. ચંદ્રકાંતે શેઠની અને ગુમાનની સર્વ વાતો કરી, પોતાના મિત્રનું ઉત્કૃષ્ટ હૃદય સ્નેહ અને દુઃખે ઉત્પન્ન કરેલી કવિત્વશક્તિના બળથી તાદ્રશ્ય ખડું કર્યું; અને સાંભળનાર દમ્પતી તેમાં લીન થઈ દુ:ખમય બની ગયાં, સરસ્વતીચંદ્રની મનોવૃત્તિ જોઈ અદ્દભૂત આશ્વર્યમાં પડયાં, તેના ભણી સ્નેહની ભરતી થતી અનુભવવા લાગ્યાં,