લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૮

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૦


વાતો ઉપર તેની આંખ દોડાવવી એ તેની કલ્પનાને શ્રમ આપવા જેવું અને તેના મનને ખેદ આપવા જેવું મનાતું; આથી રંગભૂમિ ઉપરનાં નાટકો ઉપર તેનું લક્ષ હતું અને પ્રત્યક્ષ પડદા આગળ તેની દૃષ્ટિસીમાં આવી રહેતી. આ સઉનું ફળ એ હતું કે ભયંકર ગુમાનરૂપી સર્પ તેના કુમળા મગજમાં પેસી રહી, ધુંધવાઈ રહી, તેની ભમરો ઉપર ફેણ માંડતો, આંખમાં ઘૂર્ણાયમાન થતો, જીભમાંથી ફુંફાડા મારતો, અને આખા શરીરમાં વિષમય ચંચળતા પ્રેરતો. આ સર્પનો પ્રતીકાર કરવા તેનામાં વિદ્યામૃત હતું નહી અને સત્યસંગતિના ક૯પવૃક્ષનો વાસ તેણે અનુભવ્યો પણ ન હતો. માત્ર અમાત્યકુટુંબના સહજ વિનયરૂપ પોલા રાફડાથી વિષમય ચેતન ઢંકાઈ રહ્યું હતું.

આા લડાક કિશોરીનો ઉદયભાનુ હાલ મધ્યાકાશમાં હતો. તેનાં સાસરીયાં તેની મરજી પ્રમાણે ચાલતાં. તેના પતિને તેનું ગુમાન ખુચતું તથાપિ તેનું દીલ દુખવવું એ કૃતઘ્નતા ભરેલું વસતું. સઉના મનમાં એમ હતું કે પ્રમાદધનભાઈ ઉમ્મરમાં આવશે અને ગૃહસ્થાશ્રમ માંડશે એટલે અલકબ્હેનનો મત્સર નરમ પડશે અને અમાત્યના ઘરમાં નવો કારભાર ચાલશે. પણ આવું ધારનારાઓને તરત તો વિચાર ફેરવવાનો અવસર આવ્યો.

પ્રમાદધનને ઘણી કન્યાઓ વાસ્તે કહેણ આવ્યાં હતાં. પણ તેમના રૂપ અને કુળની તુલનામાં માબાપ અને દીકરીનાં મતનો ફેર પડતો એટલે ચોકઠું બેસતું નહી. આખરે રત્નનગરીના પ્રધાન વિદ્યાચતુરની દીકરી કુમુદસુંદરી ખાલી પડી. તેનો વિવાહ પ્રથમ તો મુંબાઈનગરીના એક ધનાઢ્ય અને પ્રખ્યાત વ્યાપારી લક્ષ્મીનંદનના વિદ્વાન પુત્ર સરસ્વતીચંદ્રની સાથે થયો હતો. પણ લગ્નનું મુહૂર્ત પાસે આવ્યું તેવામાં ઈશ્વર જાણે શાથી સરસ્વતીચંદ્ર એકાએક અલોપ થયો, તેની ભાળ ખોળતાં પણ લાગી નહીં, અને આખરે મુંબઈથી લખેલો તેનો એક કાગળ વિદ્યાચતુર ઉપર આવ્યો તેમાં તેણે લખ્યું હતું કે “કાંઈ કારણથી મેં મ્હારું ઘર ને નામ છોડી દીધું છે, મ્હારે પરણવાની ઈચ્છા નથી, હું ભવસાગરનું એક અગોચર મોજું થઈ મનસ્વીપણે સંસારમાં એકલો અને અપ્રખ્યાત અથડાઈશ, મ્હારી કોઈએ ચિંતા કરવી નહી, મ્હારી ભાળ હવે લાગવાની નથી, ગુણવતી કુમુદસુંદરીને પરણી હું ભાગ્યશાળી થાત, પરંતુ મ્હારાથી તે સુખી થઈ શકત એવું એકદમ મ્હારાથી મનાતું નથી; તેનું સૌભાગ્ય અમર રહો. તેને હવે મરજી પડે ત્યાં પરણાવજો.” આ કાગળ વાંચી તેની ખાતરી કરી, નિરાશ થઈ વિદ્યાચતુર કુમુદસુંદરીનું શું કરવું તે વિષે ગભરાટમાં પડ્યો; કારણ કુમુદસુંદરીનો કન્યાકાળ વીતી ગયો હતો અને સરસ્વતીચંદ્રની સાથે તુલના કરી