લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૨૯

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧૧


શકાય એવો એક પણ વર તેની નજરે આવતો ન હતો. તેને કુમુદસુંદરી શિવાય બીજી પણ એક એનાથી ચ્હડે એવી ન્હાની દીકરી હતી; અને પોતાને પુત્ર ન હતો તો પણ કન્યા-રત્ન જોઈ એને સંતોષ થતો અને સરસ્વતીચંદ્ર તથા કુમુદસુંદરીની જોડ જોઈ એને પરમાનંદ વ્યાપતો; તેમાં આ આપત્તિ આવ્યાથી તેને પુત્રનાશનાથી અધિક શોક થયો. એવા ચતુર અને સમજુ જમાઈને એકદમ આ શું સુઝ્યું તે એ વિચારી ન શક્યો. માત્ર “ઈશ્વરની ઈચ્છા” કહો નિ:શ્વાસ સાથે गतं न शोचामि કરી ભવિષ્યના વિચારમાં પડ્યો.

અા વાતો દેશવિદેશ પ્રસરી ગઈ. વર્તમાનપત્રોમાં છપાઈ. નાતજાતમાં ચાલી રહી. જાણ્યાઅજાણ્યામાં ચર્ચાઈ રહી. વિદ્યાને માથે કલંક દેવાયાં. છોકરવાદી સર્વની બત્રીશીમાં ચ્હડી. પ્રમાદધને એ વાત વાંચી, સાંભળી, અને જમતી વખત કહી બતાવી. કુમુદસુંદરીનાં દુર્ભાગ્યની વાત પણ સાથે નીકળી, સઉને બીચારીની દયા આવી, એમાંથી એના રૂપ ગુણની વાત ચાલી, અને આખરે અલકબ્હેન બોલી ઉઠ્યાં, “ત્યારે મ્હારા ભાઈને એ કન્યા ન ખપે ?” સૌભાગ્યદેવીએ કહ્યું કે ખપે. બુદ્ધિધને કહ્યું કે વિદ્યાચતુર સાથે મ્હારે જુની મિત્રતા છે, તે ઉંચા કુળમાં જન્મેલો છે, અને તેની સ્ત્રી ચતુર, સુશીલ અને ભણેલી છે. સૌભાગ્યદેવી કહેઃ “કન્યા મ્હેં દીઠી છે. રાજચંદ્રના લગ્નમાં અમે જોડકણાં ગાતી વેળા એકઠાં થયાં હતાં, એ ફુટડી ને ચતુર છે.” અલકબ્હેને કહ્યું કે પ્રાત:કાળમાં કન્યાનું માગું કરવા માણસ મોકલવું. એ દરખાસ્ત પસાર થઈ. કુળજોશી બ્રાહ્મણ જમવામાં સાથે હતો તેણે કહ્યું: “પ્રાતઃકાળમાં ઉત્તમ મુહૂર્ત છે અને કામ સિદ્ધ થશે.” પ્રમાદધને શાંત રહી સઉ વાત સાંભળી, દિવસ-શેષ ઉત્સવમાં ગાળ્યો, અને રાત્રિ આનંદ-સ્વપ્નમાં એક ઉંઘે ક્‌હાડી. સવારે માણસ સંદેશો લેઈ રત્નનગરી ભણી ગયું. વિદ્યાચતુર ચિંતાગ્રસ્ત હતો તેથી સઉ કામ તેની સ્ત્રી ચલાવતી. તેને વર અને ઘર બંને સારાં લાગ્યાં. વરની બહુ ખબર ન હતી પણ ઘર સારું એટલે વર પણ સારો હશે જ એમ કલ્પના કરી. સ્વામીનાથને વાત કહી. ક્ષોભ પામેલ હોવાથી પ્રધાનના મુખમાંથી હા નીકળી ગઈ. બુદ્ધિધનનો માણસ વધામણી લેઈ પાછો સુવર્ણપુર દોડ્યો. પ્રધાનને ભાન આવ્યે વિચાર થયો પણ હા કહેલી તેની ના કહેવાઈ નહી. ઈશ્વરે સારા સારું જ કર્યું હશે ધારી ચિંતામુક્ત થયો. લગ્ન થયાં અને કુમુદસુંદરી પીયર છોડી સાસરે આવી. કથાનો પ્રસંગ ચાલે છે તે સમચે તેને સાસરે આવ્યે માત્ર દશ પંદર દિવસ થયા હતા. ભાઈને આવી સારી કન્યા પરણાવવાનું માન અલકકિશોરી બ્હેનને જ આપવામાં આવ્યું. માએ