પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૦

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૧ર


ભાઈને જન્મ આપ્યો અને બહેને કન્યા આપી; બહેનનું ઘરમાં માન વધ્યું અને ભાઈની તેના પરની પ્રીતિ વજ્રલેપ જેવી દ્રઢ ભાસી.

કુમુદસુંદરીનો સ્વભાવ પણ આ સ્થિતિને અનુકૂળ જણાયો. તેની મા વિદ્યાચતુરની બાલ્યાવસ્થામાં પરણી હતી અને નીશાળે તો ન્હોતી ગઈ પણ પતિને અવકાશ, અાગ્રહ, તથા ઉત્સાહ હોવાથી પોતાના સીમંત પ્હેલાં તેની પાસેથી કાંઈક ભણી હતી. તે જાતે ચકોર તથા ચપળ લાગણીવાળી હતી. પતિ ભણેલો અને પોતે અભણ તેથી કેટલીક વખત પતિ ખરેખર દુઃખમાં ગરકાવ હોય તોપણ તેનું દુ:ખ સમજી ન શકતી. ઘણુંએ પુછે, “વ્હાલા, તમને શું દુઃખ છે ? ” પણ તેના જવાબમાં વિદ્યાચતુર નિ:શ્વાસ નાંખી તથા તેને ખભે હાથ નાંખી માત્ર એટલું જ મનમાં બોલતો કે “અરેરે ! પ્રિય મેના ! તું બોલે છે મધુર પણ મેના જયારે મનુષ્યનાં દુ:ખ સમજી શકશે ત્યારે તું મ્હારું દુ:ખ સમજી શકીશ; તને ક્‌હેવામાં ફળ શું ? મધુર મેના, મ્હારાં આંસુ જોઈ બાળકની પેઠે માત્ર રોયાં કર અને તે દેખાડી મને વધારે રોવરાવ. ” આવું કહી તે પોતાનાં પુસ્તકમાં કે વ્યવહારકાર્યમાં જીવ પરોવતો. સારાં પુસ્તકો વાંચતાં, નવીન વિચારો સુઝી આવતાં, દેશોન્નતિના સમાચાર સાંભળતાં, અને ઇશ્વરલીલા મનમાં રમી રહેતાં તેનું મુખારવિંદ આનંદથી ઉભરાઈ જતું. આ વખત તેની સ્ત્રી માત્ર પતિનો મુખચંદ્ર જોઈ રહેતી અને તેને આનંદમાં જોઈ નિર્દોષ પણ અણસમજ્યા અાનંદમાં મગ્ન થતી. પરંતુ કેટલીક વખત તેના મનમાં ખેદ થતો. પતિના સુખદુ:ખમાં ભાગ લેવાય નહી, વ્હાલામાં વ્હાલાનું અંત:કરણ ભેદાઈ જતું હોય અને પોતે લાચાર બની જોયાં કરે એ ગુણસુંદરીને સારું ન લાગતું. કેટલીક વખત તેને મન તો સહજ હોય એવા બોલમાંથી-નિર્માલ્ય હોય એવા કાર્યમાંથી – પતિને સાગરમાં વહાણ બુડ્યા જેટલી દીલગીરી થતી. કેટલીકવખત તે મહાભારત પ્રયાસ કરે અને પતિને મન અલ્પ વસે. તેના ખરેખરા ઉત્સાહમાં જાણે માત્ર છોક૨વાદી જ હોય તેમ પતિના લેખામાંએ ન અાવે. અા સઉ વિચારથી તેના મનમાં મહા ગુંચવારો થતો અને અમુંઝણમાં, શું કરવું – શો ઉપાય ખોળવો - એ ન સુઝતાં કેટલીક વાર પથારીમાં સુતી સુતી, કેટલીક વાર પોતાના શ્રૃંગારગૃહના મેજ ઉપર ઉંધું માથું ઘાલી, કેટલીક વાર બારીમાંથી નદી, મેદાન અને આકાશ ભણી જોતી જોતી. અને કેટલીકવાર પતિને ખોળે માથું હોય તેવે વખતે, આંખમાંથી આંસુ સારતી અને છાનું છાનું - ઝીણું ઝીણું - રોતી.

એક દિવસ દંપતી ઘરની અગાસીમાં બેઠેલાં હતાં, મધ્યરાત્રિ થઈ હતી અને ચંદ્રમા પણ મધ્યઆકાશમાં હતો. શરદઋતુએ તારા-૨ત્નોથી