કુમુદસુંદરી વિનાની મેડીમાં પ્રમાદધનનું રાજય, નિષ્કંટક થયું હતું. ભણેલી પત્ની ઉપર તેનો આદર ઘણો હતો અને તે કાંઈ પણ ક્હેતી તો પ્રત્યુત્તર દેવા તેની તાકાત ન હતી. પતિનો વિદ્યાભ્યાસ વધારવા અને તેને પોતાના જેવો કરવા પત્ની મથતી – અાટલી વાત પ્રમાદભાઈને ગમતી ન અાવી. સ્ત્રીની પાસે વિલાસને બદલે વિદ્યાની વાતો તેને મન અસ્થાને હતી. સ્ત્રીની રસિકવૃત્તિ ઉચ્ચ પ્રકારની હતી તે જોઈ સ્નેહ એ નામની પણ તત્ત્વતઃ પશુવૃત્તિમાં જ રમનાર – પશુવૃત્તિ જ સમજનાર – પ્રમાદધન ઘણીકવાર મનમાં કંટાળો પામતો. કોઈ વડીલ પાસે હોય ત્યારે અસ્વતંત્રતા લાવે તેમ કુમુદસુંદરી પાસે તેના મનમાં અસ્વતંત્રતા લાગતી. અાથી સમાનભાવ અને ઈષ્ટ અાનંદના પ્રસંગ પોતાના મિત્રમંડળમાં તેમ જ પદ્માને ઘેર શોધતો. અાથી દિવસે દિવસે તેનો ભાવ ઓછો થયો. અધુરામાં પુરું આજથી દરબારમાં તેની સ્થિતિ વધી અને ચારેપાસથી માન મળવા છતાં ઘરમાંની સ્ત્રી પાસે ન્હાનાં દેખાવું એ તેને ન ગમ્યું. તેનું ક્ષુદ્ર મન સ્ત્રીની સમક્ષ ઉઘડવા જ પામતું. સ્ત્રીની પાસે આવા અમલદાર બનેલાએ મનને તાળું વાસવું એ હલકું લાગ્યું. કુમુદસુંદરી વિનાની મેડી જોઈ તે ઘડીક સ્વતંત્ર બન્યો, આનંદમાં આવી જઈ એકલો એકલો બોલવા લાગ્યો, પલંગ પર બે પળ ચતોપાટ સુતો, ઉઠી રસ્તામાં પડતી બારી આગળ ફક્કડ કબજાનાં સોનેરી બટનપર હાથ મુકી છાતી ક્હાડી રસ્તે ચાલનારને અાંખો ઉંચી ચ્હડાવી રુઆબ દેખાડતો ઉભો રહ્યો, અને વળી અંદર આવી તકતો લેઈ મ્હોં જોવા મંડ્યો અને મુછો પર હાથ ફેરવવા લાગ્યો.
અાંખો તેજભરી ચગાવી આનંદપ્રફુલ્લ બની તક્તામાં જોતો બોલ્યોઃ "બસ, હવે જોઈ લ્યો. હવે હું બસો રુપીઅાનો અમલદાર બન્યો ! નવીનચંદ્ર આટલું ભણેલા હોવા છતાં તેને સો જ રુપરડી – અને મને બસો રુપીઅા ! આજ સુધી નરભેરામ હતા તેટલો - તેવો – જ હું. ચાલો, હવે ત્યારે આપણે શું કરવું ? મોભો જાળવવો એવું પિતાજીએ કહ્યું છે – એટલે એમ કે ભારેખમ થવું. દોસ્તદારોને હું ચ્હડાવી દેઈશ - પિતાજી હવે મ્હારું એટલું કહ્યું નહી માને ? પણ બસો રુપિઆનું શું કરવું ? જાણે કે ઘરના ખરચની તો આપણે ચિંતા નથી. બચાવવાની આપણે ચિંતા નથી. પિતાજી ઘણું યે બચાવે છે.”
“ ત્યારે બસ હવે એ ગોઠવણ કરવી – જો – જાણે કે પચાસ રૂપીઆનો મહીનો આપવા તો આપણે પદ્માની સાથે બંધાવું પડશે.