એવું વાદળમાં લ્હેરીયાં પાડી ઉચું જોનારી આંખને જણવતો, અને ગાઉ બે ગાઉ ઉપરનાં વનોમાં પોતે નાંખેલા સુસવાટા રાણા જેવાના કાનના પડદાપર અફળાવતો :- દામ્ભિક વાયુ માનવીના શરીર પાસે આથી દમ્ભ તજી મન્દ પડી જતો હતો, મધુર થઈ જતો હતો, તેને ફોસલાવતો હોય - તેને કરગરી પડતો હોય - તેને સવાસલાં કરતો હોય - તેમ તેના અંગરખામાં ધીમે રહી પ્રવેશ કરી – તેમાં કરચલીયો પાડી – તેવા શરીરને પંપાળતો હતો, શરીરમાંનાં છિદ્રોમાં પેંશી જઈ ચિત્ત આગળ પ્હોંચી જતો હતો, ચિત્તના ગર્ભદ્વારની અંદર ઉભો રહી માનવીના આત્મા ઉપર આનંદનો અભિષેક કરતો હતો, અને પોતાની સાથે આણેલી સર્વ રમણીય સામગ્રી તેના જ ઉપર ચ્હડાવતો હતો. એમાં દોષ માત્ર એટલો હતો કે તે જડ હોવાથી મ્હોટા ન્હાનાનો ભેદ સમજતો ન હતો અને ભૂપસિંહની તેમ જ તેના હલકામાં હલકા દાસની સરખી રીતે સેવા કરતો હતો અને જાગતા ઉઘતાંનો પણ ભેદ રાખતો ન હતો. પવનની, પ્રકાશની, સુવાસની, સુસ્વરની, શીતલતાની - અર્થાત્ જડ હોવા છતાં સંચાર કરનાર સર્વ પદાર્થોની – અસર નિદ્રાયમાણ બુદ્ધિધનના મસ્તિકમાં પણ પ્હોંચી જતી અને તેનાં રમણીય સ્વપ્નોની કારણભૂત થઈ પડતી હતી – પોષક પણ થતી હતી.
એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં ખસતું બુદ્ધિધનનું મસ્તિક અન્તે અર્ધજાગૃત થયું અને સુતી વેળા કરવા માંડેલા વિચાર પાછા મસ્તિકમાં આવી ઉભા. છાતી ઉપર હાથ રાખી, આંખો મીંચેલી જ રાખી, ઈન્દ્રિયો અકર્મ જ રાખી, સૂર્ય ઉગતા પહેલાં – સૂર્યકિરણના સ્પર્શબળે જ – પક્ષિયો માળામાં ને માળામાં જ કીલકીલાટ મચાવી મુકે તેમ, જાગતા વિચાર નિદ્રાયમાણ દેખાતા પુરુષના મગજમાં સાકાર થયા. પોતાના માણસોને પક્ષ બાંધવામાં જે હરકતો ભાસી હતી તે એકદમ દૂર થઈ હોય એમ નિદ્રાએ સ્વચ્છ કરેલા મગજે ગુંચવારા ભરેલી ગાંઠ છોડી દીધી : “કંઈ નહી, કંઈ નહીં; કારભાર કરવો હું જાણું છું; હું જાતે પ્રમાણિક રહીશ, મ્હારાં માણસોને જ મ્હારો – રાણાનો – તાપ દેખાડવામાં શિથિલ નહી રહું, હું મ્હારાં માણસોને અધિકાર સોંપુ છું તે છતાં તેમની ગેરવર્તણુંકની ફરીયાદ સાંભળવા અને શિક્ષા કરવા અંતર્થી તત્પર છું એવો સર્વેને અભિપ્રાય બંધાશે તો મ્હારાં માણસો બ્હીંતાં રહેશે, અયોગ્ય કાર્યમાં મ્હારા તરફથી ઉત્તેજનની અથવા ક્ષમાની આશા નહીં રાખે. પ્રજા વિશ્વાસથી ફરીયાદ કરશે અને તેમને યોગ્ય ન્યાય આપીશ જ. અધિકાર સોંપવો અને ન્યાય કરવો એ બે જુદા પદાર્થ છે – એકમાં વિશ્વાસ અને પોતાપણું જ કામમાં લાગે છે, બીજામાં નિષ્પક્ષપાત તીવ્ર જોઈએ છીયે. ન્યાય કરવાનું આટલું બળ રાખનાર ઈંગ્રેજ વર્ગ અધિકાર સોંપવામાં