લખાણ પર જાઓ

પૃષ્ઠ:Saraswati Chandra Part 1.pdf/૩૦૨

વિકિસ્રોતમાંથી
આ પાનું પ્રમાણિત થઈ ગયું છે.
૨૮૪

“બુદ્ધિધન, આજ મને નીરાંત વળી. પણ ક્‌હો હવે કાંઈ ચિન્તા બાકી છે ?"

બુદ્ધિધન હસ્યો : “રાણાજી, ચિન્તાનો અંત આવ્યો કંઈ દીઠો છે? સંસાર એટલે જ ચિન્તાની પરંપરા – એક ચિન્તા જાય કે બીજી આવી જ છે.”

અભણ અમાત્યને આમ પર્યેષક[] રીતે બોલતો જોઈ નવીનચંદ્ર વિશેષ રસથી સાંભળવા લાગ્યો.

રાણો બોલ્યો: “ક્‌હો ને ભાઈ હવે શું છે ? હું તો જાણું છું કે મ્હારી ચિન્તા તો ગઈ જ. જે બાકી હોય તે તમારે વાસ્તે છે.”

"રાણાજી, શઠરાયનું શું કરવું ?”

"શું કરવું ? અપરાધીને ઘટે શિક્ષા.”

"બુદ્ધિધનભાઈ, દુષ્ટરાય મરી ગયો તે સંબંધમાં ખરી વાત ડુબી ગઈ છે અને કાંઈ કાંઈ વાતો ચાલે છે. એનો મામો લીલાપુર ગયો છે. ગરબડ સંતાતો ફરે છે અને ઘણું કરી ધીરપુરના બ્હારવટીયાઓને ઉશ્કેરવાનો પ્રયત્ન કરે છેઃ ” નરભેરામે સમાચાર કહ્યા.

"રાણાજી, સાંભળ્યું ?”

“હા, પણ એ ચિન્તા હવે મ્હારે કરવાની નથી. જોઈતા હોય તો હું તો સર્વ વાતના ટુંકા ઉપાય બતાવું. લાંબા ઉપાય રજપુતોને ન આવડે. એ સોંપ્યા તમનેઃ ” નિશ્ચિતપણે રાણાએ હુક્કો ફુંકવા માંડ્યો.

નરભેરામે સૂચના કરી: “મને તો લાગે છે રામભાઉને એ લોક હાથમાં લેશે. બહારવટીયાને આશ્રય આપી નવા કારભારની નિંદા કરાવશે અને લીલાપુરમાં નવા સાહેબ આવશે તેનો અભિપ્રાય પ્રારંભમાંથી ફેરવવા યુક્તિ કરશે. બીજો ઘાટ શઠરાય કરવતરાયનું શું થાય છે તે જોયા પછી ઘડશે.”

“તે, બુદ્ધિધન, ધારો કે રામભાઉની ખટપટથી નવો સાહેબ ખોટી રીતે ભરવાયો તો આપણે તેની ચિન્તા રાખવી? ખરી રીતે ક્‌હે તે ખરું, પણ આપણું સાંભળ્યા વિના શું અન્યાય કરશે ? અથવા શું આપણે, સાહેબ ને રામભાઉ, ને એનો સીપાઈ અને એવી એવી ચિંતા રાત દિવસ કર્યા ક૨વી ? આપણી પ્રજાની ચિન્તા હવે શઠરાયને માથે નથી – એ ચિન્તા કરવાની શું ઓછી છે કે આવી આવી ચિન્તા આપણે જન્મારો કર્યા જ કરવી ? ” રાણાએ પુછ્યું.


  1. ૧. 'ફિલૉસૉફી,' વાળી; પર્યેષક=શેાધક: Philosophical.